અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા એસ જી હાઈવે પર ચાલતા દારૂના અડ્ડાઓ અને બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસે તવાઈ બોલાવી છે. દારૂનું ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ દાખલ થઈ છે. સોલા પોલીસે દારૂના અડ્ડા પરથી મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે.
બે આરોપી વિરૂધ્ધ ફરિયાદ
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ છે. દારૂનું વેચાણ કરતા મિનેશ કનુભાઈ પટેલ ઉ.વ 33 રહેઠાણ, મંદિરવાળો વાસ સોલા ગામ તથા અન્ય એક આરોપી સુનિલભાઈ સોમાભાઈ રાવળ ઉ.વ 34 રહેઠાણ, ચાલી નંબર-2 લક્ષ્મણગઢનો ટેકરો પાવાપુરી,ઘાટલોડિયા અમદાવાદ સામે કાર્યવાહી કરી છે. આ આરોપીઓ સામે પોહિબિશન એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસના પ્રયાસો છતાં દારૂનું વેચાણ
સોલા અને એસ જી હાઈવેની આસપાસ ધમધમી રહેલા દારૂના અડ્ડા સામે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. સોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દારૂના અડ્ડાઓ પર રેડ પાડી બુટલેગરોને પકડે પણ છે. તેમ છતાં પણ રીઢા બુટલેગરો જામીન પર જેલમાંથી છુટીને તેમનો દારૂના વેચાણનો ધંધો કરાવામાં ફરી પ્રવૃત થઈ જાય છે. સોલા પોલીસે આ વિસ્તારમાં અનેક વખત રેડ પાડીને દારૂનું વેચાણ બંધ કરાવ્યું છે પણ બુટલેગરો અન્ય સ્થળોએથી દારૂનો ધંધો ફરી શરૂ કરી દેતા હોય છે.