અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યા બાદ એક્શન મોડમાં આવી ગયા છે. જી.એસ. મલિક દ્વારા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરોને વિદાય આપી દેવામાં આવી છે. શહેરમાં કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઈમ, ટ્રાફિક, ક્રાઈમ બ્રાંચ સહિતના વિભાગોમાંથી ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જેમાં એક સાથે 50થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જી.એસ મલિક દ્વારા વહીવટી કારણોસર 51 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી નાંખવામાં આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. આ ઉપરાંત પોલીસ બેડામાં લિવ રિઝર્વમાં રહેલા 28 જેટલા ઈન્સ્પેક્ટરોને નિમણૂંક આપવામાં આવી છે.
આ ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ બદલી
અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં હાલ ફરજ બજાવતા જે.બી અગ્રાવતને બદલી કરીને ટ્રાફિકમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આર.એચ સોલંકીને સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા વી.જે.ચાવડાની બદલી ચાંદખેડા કરવામાં આવી છે, જ્યારે ચાંદખેડામાં ફરજ બજાવતા વી.એસ. વણઝારાને સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે એમ.સી ચૌધરીની વાસણા ખાતેથી બદલી કરીને PCBમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના બી.જી. ચેતરિયાને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં ફોજદારી બદલીનો લીથો બહાર પડશે.