રસ્તા પર અનેક લોકો એટલી બેફામ રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માતનો ભય લોકોને સતાવતો હોય છે. તેમાં પણ અમદાવાદના એસજી હાઈવે પર બાઈક ચાલકો બેફામ ચલાવતા અનેક વખત નજરે પડતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એસજી હાઈવે પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. એસજી હાઈવે પરના દરેક ચાર રસ્તે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે 50 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. તે ઉપરાંત 15 લોકોને દારૂ પીધેલી હાલતમાં પણ જોવા મળ્યા હતા.
સિંધુભવન તેમજ એસજી હાઈવે પર હાથ ધર્યું ચેકિંગ!
રાજ્યમાં દારૂબંદી છે. પરંતુ અનેક વખત દારૂ પીધેલી હાલતમાં લોકો મળી આવતા હોય છે અને અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે. તે સિવાય નબીરાઓ ખાલી રસ્તો જોઈ ફૂલ સ્પિડમાં વાહનો ચલાવતા દેખાય છે. બેફામ રીતે વાહનો ચલાવાને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે ગઈકાલે અચાનક સિંધુભવન તેમજ એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર યુવાનોની હાજરી જોવા મળતી હોય છે પરંતુ પોલીસની કાર્યવાહી જોઈ લોકોની ઓછી હાજરી જોવા મળી હતી. પોલીસે ચેકિંગ દરમિયાન 50 જેટલા વાહનોને ડિટેન કર્યા હતા ઉપરાંત અનેક ડ્રિંક કરી ડ્રાઈવ કરી રહેલા લોકોને પણ ઝડપી પાડ્યા હતા.
લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને કરાયા જપ્ત!
પોલીસના ચેકિંગ અંગે વાત કરતા ઝોન 1 ડીસીપીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર તરફથી આદેશ મળ્યા બાદ આ ચેકિંગ કરવામાં આવ્યું છે. અસામાજીક તત્વોમાં પોલીસનો ડર ઉભો થયો છે. સરપ્રાઈઝ વીઝિટ સાંજે 7 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી કરવામાં આવી હતી. વાહન ચેકિંગ ઉપરાંત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગની સાથે સાથે લાઈસન્સ પણ ચેક કરવામાં આવ્યું હતું. લાઈસન્સ વગર ચલાવતા લોકોના વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ગાડીમાં કાળા કાચ લગાવેલા હોય તેવી ગાડીઓને પણ ડિટેઈન કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી બેફામ રીતે વાહન ચલાવતા લોકોમાં ડર બેસે તે જરૂરી છે.