બહારનું ખાવાની આપણને આદત હોય છે. ઘર કરતા બહારની વસ્તુ વધારે ટેસ્ટી લાગે છે. ખાણી પીણીની વસ્તુમાંથી જીવાત નીકળવી જાણે એકદમ સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. રોજે કોઈને કોઈ આવા કિસ્સા સામે આવી રહ્યા છે.. ભાવનગરથી એક ઘટના સામે આવી હતી જેમાં બાલાજીની વેફરમાંથી દેડકો નિકળ્યો હતો, સૂપમાંથી ગરોડી નિકળી હતી ત્યારે આજે સંભારમાંથી ઉંદર નિકળ્યો છે...! આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારની છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સંભારમાંથી નિકળ્યો ઉંદર!
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ગયેલા ગ્રાહકને ખરાબ અનુભવ થયો છે. ઢોસા ખાવા માટે ગ્રાહક જમવા ગયા, ઓર્ડર મંગાવ્યો, ખાવાનું આવ્યું. ઢોંસાના સંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો છે. ગ્રાહક દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની જાણ કરવા માટે ગ્રાહકે ફરિયાદ પણ કરી પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવી માહિતી સામે આવી છે.
બાલાજીની વેફરમાંથી નિકળ્યો હતો દેડકો
આ પહેલી ઘટના નથી જ્યારે ખાવાની વસ્તુમાંથી આવી જીવાત નિકળી હોય. ગઈકાલે જ જામનગરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નિકળ્યો હતો. તે સિવાય પણ થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સૂપમાંથી ગરોડી નીકળી હતી. આવી ઘટનાઓ પ્રતિદિન જોવી જાણે સામાન્ય બની ગઈ છે.. આવી અનેક ઘટનાઓ આપણી સામે આવે છે પરંતુ ફૂડ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી.. ફૂડ વિભાગ જાણે ઉંઘમાં હોય તેવું લાગે છે.
બાળકોને વારસામાં આપણે બિમારીઓ આપી રહ્યા છીએ..!
મહત્વનું છે કે આપણે અનેક વખત બહારનું ખાતા હોઈએ છીએ.. ઘર કરતા આપણને બહારનું ખાવાનું વધારે પસંદ છે.. બહાર ખાતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે કેવી રીતે તે જમવાનું બને છે. કઈ જગ્યા પર તે બને છે, ત્યાં સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં તે આપણે જાણતા નથી. બહાર ખાવાના ચસકા આપણને બિમારી તરફ લઈ જઈ રહ્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આપણે આપણા બાળકોને વારસામાં પૈસા, મિલકત, સોના ચાંદી જેવી વસ્તુઓ આપીએ છીએ પરંતુ આપણે તેમને સારૂં સ્વાસ્થ્ય પ્રદાન નથી કરતા. વારસામાં આપણે તેમને બિમારીઓ આપી રહ્યા છીએ જાણતા અજાણતા..