ગુજરાતમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ છે, રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં 70 જેટલાં સ્થળો પર રોડ બેસી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વોટર અને ડ્રેનેજનાં કામ માટે ખોદાણ કરવામાં આવ્યું હોવાથી આવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે જોવા જેવી બાબત એ છે કે ભયસુચક સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના જાહેર ચેતવણીનાં બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. જેથી જો ભારે વરસાદ થાય તો વાહનચાલકો માટે તે સ્થળો જોખમી સાબિત થઈ શકે છે.
ભયસુચક બોર્ડ અદ્રશ્ય
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હેઠળ ખોદાણ કરેલા રોડને શોધીને ત્યાં બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે આ બોર્ડ 15 જૂન પહેલાં લગાવવાં જોઈએ, પરંતુ આજે 26 જૂન થઈ ગઈ હોવા છતાં પણ આવા 70 જેટલા રોડ છે, જ્યાં ક્યાંય પણ બોર્ડ લગાવવામાં આવ્યું નથી. આ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની સ્પષ્ટ બેદરકારી અને ઢીલી કામગીરી જણાય છે. દરેક ઝોનમાં આવા 10થી 12 રોડ છે, પરંતું અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વોટર અને ડ્રેનેજની કામગીરી શહેરના વિવિધ વિસ્તારોમાં થતી હોય છે. રોડ ખોદ્યા બાદ એને પુરાણ કરી એના ઉપર ફરીથી રોડ બનાવી દેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોમાસામાં ભારે વરસાદને કારણે પોલાણ થતાં રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે. 70 જેટલા રોડ પર વોટર અને ડ્રેનેજલાઈનની કામગીરીનું ખોદાણ કર્યું હોવાથી ત્યાં બોર્ડ લગાવવામાં આવવાનાં હતાં, જો કે હજી સુધી આવા જાહેર ચેતવણીના કોઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યાં નથી.
વાહનચાલકો માટે જીવનું જોખમ
અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ AMC તંત્ર દ્વારા વોટર અને ડ્રેનેજની કામગીરીના પગલે તથા રોડ ખોદ્યા બાદ એને પુરાણ કરી એના ઉપર ફરીથી રોડ બનાવી દેવાના કારણે રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે. ચોમાસામાં દરમિયાન આ સમસ્યા સૌથી વધુ ચિંતાજનક બની રહે છે. હવે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે જો આ સ્થળોએ વરસાદી પાણી ભરાશે તો આવા રોડ પરથી વાહન પસાર થાય ત્યારે રોડ બેસી જવાની પૂરી સંભાવના રહેલી છે. આ સ્થિતીમાં વાહનચાલકો માટે જીવનું જોખમ ઉભું થઈ શકે છે.
ચેતવણીનાં બોર્ડ શા માટે નથી લગાવાયા?
અમદાવાદમાં 70 જગ્યાએ રોડ બેસી જવાની આશંકા છે ત્યારે AMC તંત્ર દ્વારા શા માટે ચેતવણીસુચક બોર્ડ નથી લગાવાયા તે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દલીલ કરે છે કે હવે વરસાદની પેટર્ન બદલાઈ છે અને ક્યાંક ગમે તેટલો અને ગમે ત્યારે વરસાદ પડી જાય છે. જો કે સાવચેતીના ભાગરૂપે નાગરિકોને હાલાકી ન પડે એના માટે ચોમાસા સંદર્ભે ઝડપી કામગીરી કરવી જોઈએ, તેની જગ્યાએ આજે ક્યાંય પણ આવાં બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. ચોમાસામાં વાહનચાલકોને જે હાલાકી પડશે તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર શા માટે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું તે મોટો સવાલ છે.