અમદાવાદીઓ ખાણીપીણીના શોખિન છે, જો કે બહારનું આ સ્વાદિષ્ટ મનાતુ ભોજન આરોગ્ય માટે ઘણી વખત ખતરનાક નિવડે છે. અમદાવાદમાં દાસના ખમણ ખૂબ પ્રખ્યાત છે મોટી સંખ્યામાં લોકો દાસના ખમણનો આસ્વાદ માણવા આવે છે. જો કે આ સમાચાર વાંચ્યા પછી તમે દાસના ખમણ ખાવાનું ભૂલી જશો, વાત એમ છે કે મણિનગર વિસ્તારમાં આવેલી દાસ ખમણ નામની દુકાનની ચટણીમાંથી જીવાત મળતા હાહાકાર મચી ગયો છે.
કઈ રીતે મળી જીવાત?
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અલ્કેશ નામના વ્યક્તિ આજે રવિવારે સવારે મણિનગર વિસ્તારમાં આવેલી દાસ ખમણ નામની દુકાનમાંથી ખમણ સહિતની ચીજ વસ્તુઓ લેવા માટે આવ્યા હતા. દુકાનમાંથી ખમણની સાથે ચટણી આપવામાં આવી હતી. આ ખમણ અને ચટણી ઘરે જઈ ખાધી જેના કારણે તેમના પત્ની અને બાળકોને ઉલટી જેવું થયું હતું. ચટણીમાં જોયું તો તેમાં મચ્છર જેવી જીવાત જોવા મળી હતી. તેથી તેઓ તાત્કાલિક દુકાન ઉપર ગયા હતા અને ત્યાં હાજર વ્યક્તિને તેઓએ ચટણીમાંથી નીકળેલી જીવાત બતાવી હતી. આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ કરી છે.
ફરિયાદ તો નોંધાઈ શું AMC કાર્યવાહી કરશે?
ગ્રાહકે સમગ્ર મામલે તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગનને ઓનલાઇન અને ફરિયાદ નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી. દાસ ખમણમાંથી ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દુકાનને સીલ પણ કરવામાં આવી છે. હવે કોર્પોરેશન દ્વારા દાસ ખમણ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે.