રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવી મોતને ભેટે છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થાય છે.ગુજરાત હાઈકોર્ટે કડક આદેશ આપી દીધા છે રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા. હાઈકોર્ટની ટકોર બાદ એએમસી દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી એકદમ કડક રીતના કરાઈ રહી છે. રખડતા ઢોરને પકડવા માટે અનેક અધિકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને કારણે અનેક વખત એએમસીની ઓફિસ ખાલી દેખાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના વિભાગ અને સ્ટાફને સવારથી જ વિવિધ વિસ્તારમાંથી રખડતા પશુને પકડવાની ફરજ સોંપવામાં આવી છે. કર્મચારીને જવાબદારી સોંપવાઈ તેની સીધી અસર મ્યુનિ.તંત્રના કામકાજ પર પડે છે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. યોગ્ય સમય પર અરજીઓનો નિકાલ થઈ શક્તો નથી જેને કારણે લોકોને ધક્કા ખાઈ ફરત ફરવું પડે છે!
હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દોડતું થયું!
એક તરફ ખરાબ રોડ રસ્તાને કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે તો બીજી તરફ રખડતા ઢોર તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર અચાનક જાગ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી એએમસીના અનેક અધિકારીઓ રખડતા ઢોરને પકડવાની કામગીરીમાં લાગી ગયા છે. ઝોન વાઈઝ ટીમ બનાવીને ઢોરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. નવેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોરને લઈ શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો છે. ડેડલાઈન નજીક આવતા કર્મચારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
કર્મચારીઓ ન હોવાને કારણે ખોરવાય છે લોકોની કામગીરી!
રખડતા ઢોરને પકડવામાં મોટા ભાગના અધિકારીઓ રસ્તા પર નિકળી આવ્યા છે. અધિકારીઓ રસ્તા પર હોવાને કારણે એએમસીની ઓફિસમાં લોકોને ધક્કા ખાવા પડે છે. લોકોની અરજીઓનો નિકાલ નથી આવતો. એમ પણ સરકારી કામોને કરાવવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે! ૧૦ નવેમ્બર-૨૦૨૩ બાદ દિવાળી પર્વ શરુ થવાનો છે. મ્યુનિ.તંત્રમાં દિવાળી વેકેશન જેવો માહોલ આવનાર દિવસોમાં છવાઈ જશે! લોકોના પ્રશ્નો તેમજ ફરિયાદોનો નિકાલ લાવવાના બદલે મોટાભાગનો સ્ટાફ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા જોવા મળી રહ્યા છે.
ઝોન વાઈઝ ઢોર પકડવા બનાઈ ટીમ
છેલ્લા અનેક દિવસોથી રખડતા ઢોરને પકડવા માટે એએમસીની ટીમ મહેનત કરી રહી છે. રખડતા ઢોરને પકડવા માટે અલગ અલગ ટીમોને તૈનાત કરવામાં આવી છે. ઝોન વાઈઝ ઢોરને પકડવામાં આવી રહ્યા છે. પ્રતિદિન અનેક ગાયોને પકડવામાં આવે છે અને ઝોરવાસમાં મૂકવામાં આવે છે, શહેરના અનેક ઢોરવાસ ફૂલ થઈ ગયા છે. ત્યારે હજી પણ આ કામગીરી પૂરજોશમાં થઈ રહી છે. રખડતા ઢોરને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જ્યારે એએમસીમાં કામ ન થવાને કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડે છે. ફરજ પરના અધિકારીઓ રસ્તા પર હોવાને કારણે પ્રજાના પ્રશ્નોનો નિકાલ નથી આવતો.