પત્રકારત્વમાં એવું માનવામાં આવે છે જેટલું તમે ફરશો, જેટલા વધારે લોકોને મળશો તેમ તેમ તમારા અંદર રહેલી ભાવનાઓ જાગતી રહે છે. ઈમોશન્સ સાથે પત્રકાર જલ્દી કનેક્ટ થઈ શકે છે. ત્યારે જાણીતા પત્રકાર અને લેખક લલિત ખંભાયતાના પ્રવાસ નિબંધોના પુસ્તકનું વિમોચન રવિવાર 25 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદના કોલાબ ખાતે કરવામાં આવ્યું. પુસ્તકનું નામ છે રખડે એ મહારાજા. પુસ્તક વિમોચન કાર્યક્રમના અધ્યક્ષ યુગપ્રવર્તક પત્રકાર અને સફારીના તંત્રી નગેન્દ્ર વિજય હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે જમાવટ મીડિયાના સ્થાપક દેવાંશી જોશી હાજર રહ્યા હતા.

પત્રકારના જીવનમાં પ્રવાસ અભિન્ન અંગ ગણાય છે!
આપણા જીવનમાં પુસ્તકોની ભૂમિકા મહત્વની હોય છે. જો સારી પુસ્તકનો સથવારો મળી જાય તો દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. પુસ્તક આપણને ઘણું બધુ નવું નવું શિખવાડતું હોય છે. એક પત્રકાર માટે જેટલું ફરવું જરૂરી હોય છે તેટલું શબ્દ ભંડોળની પણ જરૂર હોય છે. પ્રવાસએ પત્રકારત્વનું અનિવાર્ય અંગ છે. ત્યારે જાણીતા પત્રકાર-લેખક લલિત ખંભાયતા પ્રવાસ નિબંધોના પુસ્તક 'રખડે એ મહારાજા'નું રવિવારે 25મી ફેબ્રુઆરીના દિવસે વિમોચન થયું હતું. પુસ્તક વિમોચનનું આયોજન સિંધુભવન રોડના સંસ્કૃતિ કેન્દ્ર ગણાતા એવા પુસ્તક-સ્ટેશનરી સ્ટોર કોલાબ ખાતે આ પ્રસંગ યોજાયો હતો.


દેવાંશી જોશીએ પત્રકારત્વમાં પ્રવાસની મહત્તા સમજાવી
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જમાવટ મીડિયાના સ્થાપક દેવાંશી જોશી હાજર રહ્યા હતા. દેવાંશી જોશીએ પત્રકારત્વમાં પ્રવાસની અનિવાર્યતા સમજાવી હતી. દેવાંશી જોશીએ કહ્યું હતું કે પત્રકાર તરીકે પ્રવાસ ન કરીએ તો પ્રજાના પ્રશ્નો સમજી શકતા નથી. પછી આપણને પ્રજાના પ્રહરી કે પ્રતિનિધિ ગણાવાનો હક્ક પણ રહેતો નથી. સાચી સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર જવું જ રહ્યું, તેનો કોઈ વિકલ્પ નથી.


પુસ્તક અંગે લેખકે માહિતી આપતા કહ્યું કે..
આ કાર્યક્રમનું સંચાલનનું કાર્ય યુવા ગૌરવ વિજેતા કવિ-ગઝલકાર સંચાલક હરદ્વાર ગોસ્વામીએ સંભાળ્યું હતું, જ્યારે નવભારત પ્રકાશન મંદિરના રોનક શાહ અને કુનાલ શાહે મહેમાનો માટે સ્ટોરમાં સુંદર વ્યવસ્થા કરી હતી. પુસ્તકની વાત કરતા લેખક લલિત ખંભાયતાએ જણાવ્યું હતું કે રખડે એ મહારાજામાં કુલ પ્રવાસના 14 પ્રકરણ છે. એમાં જાપાનની વાત પણ છે અને ગુજરાતના છેલ્લા બહારવટિયા રામવાળાની કથા પણ છે. ગિરનારના અજાણ્યા સ્થળો છે, તો હિમાલયના હિંડોળાની પણ વાત છે.