Shakespeareએ બહુ પહેલા એક વાક્ય કહ્યું હતું કે નામ મેં ક્યા રખા હેં... પોતાના નામનું ઘર હોય, ઘરની બહાર પોતાના નામની નેમ પ્લેટ હોય વગેરે વગેરે.... કોઈ નામ ખોટી રીતે બોલે તો પણ અનેક લોકો ગુસ્સે થઈ જતા હોય છે.સારા કામોમાં પોતાનું નામ આવે તે સામાન્ય રીતે અનેક માણસો ઈચ્છતા હોય છે. અને એમાં પણ કોઈ રાજકારણી હોય તો તો કહેવું જ શું.? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં તકતી પર નામ ન હોવાને કારણે કોંગ્રેસના ધારાસભ્ય રોષે ભરાઈ ગયા. તકતીમાં પોતાનું નામ ન હોવાનો તેમણે વિરોધ કર્યો અને પાછળથી તકતીમાં તેમનું નામ ઉમેરવામાં આવે તેવી વાત કહી.
તકતી પર નામ ન હતું એટલે ધારાસભ્યને આવ્યો ગુસ્સો
સામાન્ય રીતે નેતાઓને તખ્તી પર પોતાનું નામ લખવાનો હરખ હોય છે. જ્યારે કોઈ જગ્યાનું કે કોઈ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવતું હોય છે ત્યારે તકતી પર નામ લખવામાં આવતું હોય છે. તકતી પર તેમનું નામ ના લખાય તો તેમને ગુસ્સો પણ આવી જતો હોય છે. આવું જ કંઈક થયું અમદાવાદમાં કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યનું નામ તકતીમાં નહોતું તો તેમને ગુસ્સો આવી ગયો.
તકતી પર કાળો સ્પ્રે મારી ધારાસભ્યએ નોંધાવ્યો વિરોધ
વાત એમ બની કે, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હિમોડાયાલિસિસ સેન્ટરનું મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાના કારણે તેઓએ ઉદ્ઘાટન તકતી ઉપર કાળો સ્પ્રે મારી વિરોધ દર્શાવ્યો હતો. ધારાસભ્યના આકરા વિરોધને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર એક કલાકમાં જ તાત્કાલિક ધોરણે તકતીને બદલી નાખવામાં આવી હતી.