- અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાશે
- તા.15થી 22 ઓક્ટોબર સુધી વાહનોની અવરજવરને લઈ રિવરફ્રન્ટ પર પ્રતિબંધ
- 3થી સાંજના 7 વાગ્યા સુધી એરપોર્ટ ઓથોરિટીએ પ્રતિબંધ ફરમાયો
- 15 ઓક્ટોબરથી એર શો સહિતના રિહર્સલ શરૂ કરવામાં આવશે
ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદના જાણિતા એવા રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે સાંજના સમય દરમિયાન રિવરફ્રન્ટની બંન્ને બાજુ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
લાંબા સમયબાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને એરપોર્ટ ઓથોરેટી દ્વારા મહત્વની નોટિસ જાહેર કરવામાં આવી છે. ડિફેન્સ એક્સપો દરમિયાન આર્મી, નેવી અને એરફોર્સના આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર એર શો માટે કંટ્રોલ સેન્ટર અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આર્મીના ટ્રકો અને જવાનો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે.
મળતી માહિતી અનુસાર, આગામી 18 થી 22 તારીખ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. આગામી તા.18થી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ પર યોજાવવાનો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓથોરેટી દ્વારા તા.13થી 22 ઓક્ટોબર સુધી નોટીસ ટુ એરમિશન જાહેર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી એર શો સહિતના પ્રદર્શનનું જવાનો દ્વારા રિહર્સલ કરવામાં આવવાનું છે. જેને ધ્યાને રાખી તા.15થી 22 ઓક્ટોબરના રોજ બપોરના 3થી સાંજના 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટની બંન્ને બાજુ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પર ડીફેન્સ દ્વારા વિવિધ શસ્ત્રોનું એક્ઝિબિશન પણ યોજાશે.
મહત્વનું છે કે,રિવરફ્રન્ટ પર યોજાનારા એર શોમાં ભાગ લેવા ફાઇટર જેટ વિમાનોનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન એરફોર્સનું એક સુખોઈ વિમાન એરપોર્ટ પર પણ ઊતર્યું હતું. આ ઉપરાંત પ્રદર્શનમાં મુકવા માટે યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ ડિફેન્સના વિશેષ કાર્ગો વિમાનમાં અમદાવાદ આવી પહોંચી હતી. આ એર શો માં એરફોર્સના ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં ગર્જના તથા પરાક્રમ કરતા જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવેલો રિવરફ્રન્ટ અમદાવાદવાસીઓ તેમજ અમદાવાદની મુલાકાતે આવનારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ સરકાર દ્વારા લોકો માટે રિવરફ્રન્ટ પર જુદી-જુદી એક્ટીવીટીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ અમદાવાદ વાસીઓ દરરોજ સવારે અને સાંજના સમયે રિવરફ્રન્ટ પર એક્સસાઈઝ તેમજ વોકીંગ માટે જતા હોય છે. જોકે, એર શોને લઈને રિવરફ્રન્ટ જતા અને આવતા રસ્તાઓ બંધ રાખવાનો ફરમાન કરાતા રિવરફ્રન્ટની મુલાકાત લેનારા લોકોને 22 ઓક્ટોબર સુધી મુલાકતા ટાળવી પડશે.