અમદાવાદનો સિંધુ ભવન વિસ્તાર જાણે નબીરાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગે છે. આ રસ્તાને નબીરાઓ પોતાના બાપનો રસ્તો સમજીને બેઠા હોય તેવી રીતે નબીરાઓ બેફામ બનીને વાહન ચલાવતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ઓવર સ્પીડિંગને કારણે અકસ્માત થતો હોય છે અને લોકોના મોત થતા હોય છે. વધુ એક અકસ્માત સિંધુ ભવન રોડ પર સર્જાયો છે જેમાં થાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો છે. અને અડફેટે આવેલા યુવકનું મોત થઈ ગયું છે.
ક્યાં સુધી નબીરાઓની ગાડી નીચે કચડાતા રહેશે નિર્દોષ લોકો?
અકસ્માત આ શબ્દ જાણે સામાન્ય થઈ ગયો છે. પ્રતિદિન અકસ્માતની ઘટના બને છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. ઘણા કિસ્સાઓમાં તો એવું પણ જોવા મળ્યું છે કે નિદોર્ષ વ્યક્તિનું મોત કોઈ બીજાની ભૂલને કારણે થઈ જતું હોય છે. અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે આ વાક્ય અનેક વખત કહેતા હોઈએ છીએ અને વાત સાચી પણ છે કારણ કે બેફામ બનેલા નબીરાઓ અકસ્માત સર્જે છે અને કોઈ પરિવાર પોતાનું સદસ્ય ગુમાવે છે. થોડા સમય પહેલા અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં 9 જેટલા નિર્દોષ લોકો કચડાયા હતા અને આજે ફરી એક વખત અમદાવાદના સિંધુ ભવનમાં અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.
થાર ગાડી સાથે યુવકની ટક્કર થઈ અને થઈ ગયું યુવકનું મોત!
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે યુવકનું મોત થયું છે તે માત્ર 18 વર્ષનો હતો.. થારની અડફેટે આવતા જયદીપ સોંલકી નામનો યુવક ગંભીર રીતે ઈજાગસ્ત થયો અને તે મોતને ભેટ્યો. સિંધુ ભવન રોડ જાણે બાઈક., કાર માટે રેસિંગ પોઈન્ટ બની ગયો હોય તેવું લાગે છે. કલર કરવા, રોફ જમાવવા માટે અનેક વખત સ્ટંટ બાજી કરતા હોય છે, ઓવરસ્પીડિંગમાં વાહન ચલાવતા હોય છે અને આ પ્રકારના અકસ્માત સર્જાતા હોય છે. જે વ્યક્તિનું મોત આ ઘટનામાં થયું છે તે પોતાના મિત્ર સાથે નિકળ્યો હતો અને કાળનો કોળિયો બની ગયો. થાર ગાડી સાથે જ્યારે યુવકની ટક્કર થઈ ત્યારે તે હવામાં ફંગોળાયો હતો તેવી માહિતી સામે આવી છે. ગંભીર રીતે યુવક ઘાયલ થયો હતો અને તેનું મોત થઈ ગયું છે. આ ઘટના શુક્રવાર રાત્રે બની છે તેવી માહિતી સામે આવી છે. અકસ્માત થયા બાદ ગાડી મૂકીને ચાલક ફરાર થઈ ગયો છે.
આવા નબીરાઓ વિરૂદ્ધ પોલીસ ક્યારે લેશે એક્શન?
આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ અહીંયા પ્રશ્ન પોલીસની કામગીરી પર પણ થાય કારણ કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે.. લોકોના સુરક્ષાની જવાબદારી પોલીસના શીરે છે. સ્ટંટ કરતા અનેક લોકો વિરૂદ્ધ પોલીસ એક્શન લે છે પરંતુ આવા બેફામ બનેલા નબીરાઓ વિરૂદ્ધ ક્યારે કોઈ એક્શન લેવાશે? ક્યાં સુધી રસ્તાને બાપનો બગીચા સમજીને વાહન ચલાવતા લોકો કોઈને કચડીને જતા રહેશે? ક્યાં સુધી કોઈ મા બાપ આવા નબીરાને કારણે પોતાના દીકરાને ગુમાવશે?