અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે યોજાયેલો ફ્લાવર શોને બહોળો લોક પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બર, 2023થી 20 જાન્યુઆરી, 2024 સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 11મા ફ્લાવર-શોની મોટા પ્રમાણમાં લોકોએ મુલાકાત લીધી હતી. 22 દિવસ ચાલેલા આ ફ્લાવર શોને સ્થાનિકો તથા બહાર આવેલા લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 15 લાખથી લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેના કારણે ફ્લાવર શોને કુલ રૂ. 8 કરોડની મોટી આવક થઈ છે. કોર્પોરેશનને ફ્લાવર શો પાછળ પાંચ કરોડ જેટલો અંદાજિત ખર્ચ થયો હતો. ફ્લાવર શોને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઇ રહી છે.
AMCને ફ્લાવર શો ફળ્યો
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 30 ડિસેમ્બર-23થી શરુ કરવામાં આવેલો ફલાવર શો AMC તંત્રને ફળ્યો છે. 22 દિવસમાં 15 લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવર શોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રુપિયા 8 કરોડની વિક્રમી આવક તંત્રને થઈ છે. રુપિયા 6.50 કરોડની આવક ટિકિટ પેટે તથા રુપિયા 1.50 કરોડની આવક વિવિધ સ્ટોલ અને ફુડ કોર્ટ પેટે થવા પામી હતી. 10 જાન્યુઆરીએ PM મોદીએ પણ અદભૂત ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન
અમદાવાદના આ વર્ષે યોજવામાં આવેલા ફલાવર શોમાં રાખવામાં આવેલા 221 મીટર લંબાઈ ધરાવતા ફલાવર સ્ટ્રકચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ સહિત 33 જેટલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં GSLV MK3 રોકેટ પણ હશે. ફ્લાવર શો માટે 5.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માટે બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશોમાં વિવિધ ફૂલો લાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલના ડીરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલે કહ્યું,વર્ષ-2023માં યોજવામાં આવેલા ફ્લાવર શોમાં 8 લાખ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જે પેટે રુપિયા 3.90 કરોડથી વધુની આવક થઈ હતી. આ વર્ષે ફ્લાવર શોમાં વિક્રમી આવક થઈ છે.