એક તરફ મોટા ભાગનો વર્ગ દિવાળીની ઉજવણી કરી રહ્યો હતો તો બીજી તરફ અનેક એવા કર્મચારીઓ હતા જે પોતાની ફરજ પર હતા. દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટર, ફાયર વિભાગની ટીમ, પોલીસની ટીમ લોકોની સુરક્ષા માટે તૈનાત હોય છે. અનિચ્છનિય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે તેઓ ફરજ પર હોય છે. લોકોએ મન મૂકીને ફટાકડા ફોડ્યા, તહેવારની ઉજવણી કરી છે પરંતુ તે ઉજવણી દરમિયાન શહેરમાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોલ આવવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.
307 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા!
દિવાળીના તહેવાર દરમિયાન લોકો ફટાકડા ફોડે છે પરંતુ તે ફટાકડાથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. આગ લાગવાના કિસ્સાઓમાં આ સમય દરમિયાન નોંધપાત્ર વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદ ફાયર વિભાગને દિવાળીના પાંચ દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પરથી 307 જેટલા કોલ મળ્યા છે તેવી માહિતી સામે આવી છે. સૌથી વધારે કોલ પશ્ચિમ ઝોનથી મળ્યા છે. મહત્વનું છે કે ફાયર વિભાગની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે પ્રશંસનિય છે.
આ જગ્યાઓ પર બન્યા આગ લાગવાના કિસ્સાઓ
એક મીડિયા રિપોર્ટ અનુસાર સૌથી વધારે આગ કચરાના ઢગલા પર તેમજ લાકડામાં લાગી છે. કચરા અને લાકડામાં આગના 168 જેટલા બનાવ બન્યા છે, જ્યારે 42 કોલ મકાનમાં આગ લાગવાના, 34 કોલ દુકાનમાં આગ લાગવાના, 18 કોલ ઝાડમાં આગ લાગવાના બન્યા છે. 11 કોલ ફેક્ટરી અને વાહનોમાં આગ લાગવાના આવ્યા છે. આગ લાગવાની ઘટના તો વધી છે પરંતુ કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ પર કાબુ મેળવવા માટે 30થી વધારે અધિકારીઓ તેમજ 350 જેટલા કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. ફાયર વિભાગના ટીમની પ્રશંસા કરવી જોઈએ, ડોક્ટરની ટીમની પ્રશંસા કરવી જોઈએ.!