થોડા દિવસ પહેલા વડોદરાના હરણી લેકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ પલટી જવાને કારણે નાના ભૂલકાઓ અને શિક્ષકો મૃત્યુને ભેટ્યા હતા. અનેક ભૂલકાઓના જીવ ગયા બાદ તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્ટિવ મોડમાં આવ્યા છે. પ્રવાસ અંગે લાપરવાહી નહીં ચલાવવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. બાળકોને પ્રવાસ લઈ જતા પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
વડોદરા દુર્ઘટના બાદ એક્શન મોડમાં દેખાયું શિક્ષણ વિભાગ!
શાળામાંથી બાળકોને પીકનીક લઈ જવામાં આવે છે. ફરવા માટેનો ઉત્સાહ બાળકોમાં હોય છે. પરંતુ અનેક વખત બહાર ગયેલા બાળકો ઘરે પાછા નથી આવતા, દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે. તાજેતરમાં બનેલી ઘટના આનું પ્રત્યક્ષ ઉદાહરમ છે. પીકનીક માટે ગયેલા બાળકો નિશ્ચેતન થઈને ઘરે આવ્યા હતા. આ દુર્ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહી રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આગામી દિવસોમાં આવી દુર્ઘટના ટળી શકે તે માટે કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પ્રવાસ પર લઈ જતા પહેલા પરવાનગી લેવી કરાઈ ફરજિયાત!
વડોદરા દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે પીકનીક પર લઈ જતા પહેલા પરવાનગી લેવી પડશે. શાળા બાળકોના પ્રવાસનું આયોજન કરે તોતે પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે. અને જો મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરવામાં આવશે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. કોઈ પણ લાપરવાહી નહીં ચલાવી લેવામાં આવે તેવી વાત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે.
દુર્ઘટનામાંથી નથી લેતા બોધપાઠ!
તંત્ર સફાળું જાગ્યું છે તે વાત સારી છે પરંતુ અચાનક જાગેલું તંત્ર ગમે ત્યારે સૂઈ જાય છે. દુર્ઘટના સર્જાય તેના થોડા દિવસો સુધી આવી કાર્યવાહી, આવા આદેશો કરવામાં આવે છે, આગામી દિવસોમાં આવી દુર્ઘટના ન સર્જાય તેવું ધ્યાન રાખીશું જેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી કાર્યવાહી થોડા દિવસો બાદ બંધ થઈ જતી હોય છે. થોડા દિવસો બાદ આવી દુર્ઘટના લોકો પણ ભૂલી જતા હોય છે અને પછી તંત્ર પણ ભૂલી જાય છે...!