DELFનો દાવો, દરેક બાજુથી ઘેરવાની કોશિશ છતાં સત્યના આધાર પર મુક્તિ મળી
બ્લેકલિસ્ટ કરાયેલી કંપની કેવી રીતે કોઈ જ તપાસ વિના મુક્ત થઈ આ પ્રશ્નનાં જવાબમાં ડેલ્ફ કંપનીએ આપ્યો સમિતિનો અહેવાલ, કહ્યું IIT રૂરકી પણ કહી ચુકી છે કે ડિઝાઈનમાં ભુલ નહોતી....
છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં ફરી એકવાર હાટકેશ્વર બ્રિજનું ભૂત ધણધણ્યું છે, અને સાથે જ ચર્ચા થઈ રહી છે ભ્રષ્ટાચારની, જે ગુજરાત એનાં રસ્તા માટે જાણીતું હતુ એ જ ગુજરાતમાં અનેક જગ્યાએથી પુલ તુટવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે છેલ્લા 10-15 વર્ષમાં ગુજરાતમાં એવું શું બદલાઈ ગયું કે સ્થિતિ આ આવીને ઉભી છે. આ પ્રશ્નનો કોઈ જ જનરલાઈઝ જવાબ નથી, પણ એક ઉદાહરણથી સમજીએ બ્રિજ બનવાની આખી પ્રક્રીયાને. કોન્ટ્રાક્ટર, કોર્પોરેશન અને ડિઝાઈનરના રોલને.
બ્રિજની ડિઝાઈન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું DELFને
વર્ષ 2012માં CRRI – સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના અહેવાલના આધારે અમદાવાદ કોર્પોરેશને હાટકેશ્વર જંક્શન પર ફોર લેન ઓવર બ્રિજ બનાવવાનું નક્કી કર્યું. 2013માં બ્રિજ બનાવવા માટે ડિઝાઈન તૈયાર કરવાનું કામ ડેલ્ફને મળ્યું. આ ડિઝાઈન તૈયાર થાય પછી એ AMC અને R&Bમાં એપૃવલ માટે જમા કરાવવામાં આવે, 2014માં બજેટ મંજૂર થયું, ડિઝાઈન પણ મંજૂર કરવાનું કામ રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના ડિઝાઈન સર્કલનું જ હતું. વર્ષ 2015માં કોર્પોરેશને કોન્ટ્રાક્ટર નિયુક્ત કર્યા, તમામ મંજૂરીઓ પછી કોન્ટ્રાક્ટર અને પીએમસીને ડ્રોઈંગ અપાયા. પીએમસી એટલે એક એવી એજન્સીને કામ સોંપવું જે સમગ્ર પ્રોજેક્ટનું મેનેજનેન્ટ અને મોનિટરીંગ કરે, આ કામ SSG INDIA PVT LTDને સોંપાયું. વર્ષ 2015થી 2017 સુધી PMC અને AMCના એન્જીનિયરે બાંધકામની ગુણવત્તા પ્રકાશીત કરી, પોર કાર્ડસ, કૉંક્રીટ ક્યુબ ટેસ્ટ, કૉંક્રીટની ગુણવત્તા તપાસવાનું કામ પણ પીએમસી દ્વારા કરાયું, અને એ પ્રમાણપત્રના આધાર પર કૉર્પોરેશને સતત બિલની ચુકવણી કરી, 2017માં પુલ પુરો થયો અને લોકો માટે ખુલ્લો મુકાયો.
હવે શરૂ થઈ સમસ્યા, પુલ હતો નાના વાહન માટે, રાત પડતાં જ ટ્રક પણ જવા માંડ્યા...
માર્ચ 2021માં ખોખરા બાજુના 45 મીટર સ્પાનના પીએસસી બોક્સના ટોપ સ્લેબમાં એક જગ્યાએ કૉંક્રીટ કચડાઈ જવાની ઘટના થઈ, કૉર્પોરેશને એ માટે M/S પંકજ પટેલ પ્રાઈવેટ લિમીટેડ નામની કંપનીની ઈન્સ્પેક્શન કન્સલટન્ટ તરીકે નિમણુંક કરી. કંપનીએ કોર્પોરેશનને બ્રિજનો NDT કરવા કહ્યું. જેનો મતલબ છે નોન ડિસ્ટ્રક્ટીવ ટેસ્ટીંગ, અને એની અલગ અલગ મેથડમાંથી રિબાઉન્ડ હેમરનો ઉપયોગ કરીને ટેસ્ટ થયો તો કૉંક્રીટની ગુણવત્તા પર પ્રશ્નો થયા. કંપનીએ કહ્યું કે કૉર્પોરેશને આ બેઝીક ટેસ્ટ કરતા બીજા બધા વિગતવાર પરીક્ષણો કરાવવા જોઈએ, જો કે કોર્પોરેશને એવું ના કર્યું અને સમારકામ કરીને બ્રિજ ફરીથી શરૂ કરી દીધું. ફેબ્રુઆરી, જૂન અને ઓગષ્ટ 2022માં ફરીથી ગાબડાની ઘટનાઓનું પૂનરાવર્તન થયું, અને ફરીથી ત્રણ કન્સલ્ટન્ટ નિમવામાં આવ્યા, ફરીથી બધા પરીક્ષણો શરૂ થયા. કૉંક્રીટની ગુણવત્તા ટેસ્ટમાં નિષ્ફળ ગઈ, પ્રશ્ન એ પણ ઉભો થયો કે જે હેતુથી આ બ્રિજ ડિઝાઈન કરવામાં આવ્યો છે એ નાના વાહનોની અવર જવર માટે છે, પણ જ્યારે ભારેથી અતિભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થાય અને ટ્રાફીકના કારણે બ્રિજ પર ઉભા રહી જાય ત્યારે આ સમસ્યા આવે છે.
બ્રિજ રીપેર કરવાની બદલીમાં તોડી પાડવા માટે અપાઈ સલાહ!
કોન્ટ્રાક્ટર કંપની અજય ઈન્ફ્રાએ સમારકામ કરી આપવાની વાત કહી, એકબાજુનું રિપેરીંગ ચાલુ કરાયું, જો કે SVNITએ રિપોર્ટ કર્યો કે સમારકામ કરતા આને તોડીને ફરીથી બનાવવું એ જ બહેતર વિકલ્પ છે. IIT રૂરકીએ પણ સાઈટ વિઝીટ કરી, કૉંક્રીટના સેમ્પલ ફેઈલ થયા, એક પક્ષ એવો દાવો કરે છે કે વર્તમાન સમસ્યા ભલે ડિઝાઈનના કારણે ના થઈ હોય પણ ડિઝાઈનમાં સ્ટીલના સ્પાનમાં જે અંતર હોવું જોઈએ એ નથી રાખવામાં આવ્યું, અને બે અલગ ડ્રોઈંગ આપવામાં આવ્યા છે. ડિઝાઈનરનો દાવો છે કે અમારા ડિઝાઈન દરેક જગ્યાએથી પાસ થયા પછી જ કૉન્ટ્રાક્ટર જોડે પહોંચ્યા છે.
પ્રશ્ન કૉન્ટ્રાક્ટર કે ડિઝાઈનર કરતા પણ મોટો... મોનિટરીંગ સંસ્થાઓ કેમ દરેક વખતે નિર્દોષ?
કૉન્ટ્રાક્ટર ચુક કે કટકી ના કરે એનાં માટે જ PMC અને AMCના એન્જીનિયર્સની મોનિટરીંગ વ્યવસ્થા છે, ડિઝાઈનમાં ગડબડ ના થાય એ માટે જ સરકારી વિભાગો એને મંજૂરી આપે છે, તો અંતે જ્યારે કોઈ પણ સમસ્યા સર્જાય ત્યારે કોઈ એક માથુ કે કંપની પર જવાબદારી ઢોળવાની જગ્યાએ એ સંયુક્ત જવાબદારી કેમ ના બને કે જો કૉંક્રીટ ખરાબ હતી, તો સતત રિપોર્ટ પાસ કરીને બિલ કેવી રીતે પાસ થયા, પુલ શરૂ થતા પહેલાનો રિપોર્ટ સાચો કે સમસ્યાઓના અંતે સામે આવેલો રિપોર્ટ સાચો? કોઈ પણ ટેન્ડર ભરાય ત્યારે પાર્ટી ફંડ તરીકે જતી ટકાવારી, અધિકારીઓને જતી ટકાવારી, અને બાકીના રૂપિયા આપ્યા પછી જો પુલ નબળો બને અને આર્થિક અપરાધના ગુના દાખલ થાય તો આખી પ્રક્રીયામાં શામેલ દરેક લોકો જવાબદાર કેમ નહીં?
ટેન્ડરની પ્રક્રિયા સાંભળી અને જાતે જ વિચાર કરો કે કેવી રીતે આખી પ્રોસેસ થાય!
કોઈ પણ કામ થતા પહેલા એની એક અંદાજીત કિંમત નક્કી કરવામાં આવે, અને એના આધારે ટેન્ડર મંગાવવામાં આવે, ઉદાહરણ તરીકે એક કામની કિંમત 100રૂપિયા નક્કી કરાઈ, X વ્યક્તિએ ટેન્ડર 110 ભર્યું, Yએ 90 રૂપિયા ભર્યા, Zએ 80 રૂપિયા ભર્યા તો ટેન્ડર 80 વાળાને મળે... એ 80માંથી પણ 80 પૈસા આ ફંડમાં, 80 પૈસા ફલાણાં ભાઈને એમ વ્યહવારો તો ખરાં જ... જો એક પુલ બનવાના 100રૂપિયા થવાનાં જ હોય તો 80રૂપિયામાં કામ લેતો માણસ વહીવટો પુરા કરીને 70રૂપિયામાં કામ શું કરવાનો અને કમાણી શું થવાની...! દુનિયામાં કોઈ ખોટનો ધંધો નથી કરતું... એટલે આ સિસ્ટમનો ભોગ છેલ્લે બને છે એ સામાન્ય માણસો જે આ દુનિયાથી અજાણ છે,પણ ભોગ એમનો લેવાય છે.
કેવી રીતે અમુક IASની સંપત્તિ હજારો કરોડમાં પહોંચી?
સરકારના આવા વિભાગો સાથે સંકળાયેલા અમુક IASની સંપત્તિ અત્યારે હજારો કરોડમાં પહોંચી ગઈ છે, કરોડોની જમીનની માલિકી, વિદેશમાં સંપત્તિ, કાળુ નાણું એ કમનસિબે આજની દુર્ભાગ્યપુર્ણ હકિકત છે, એક વ્યક્તિ સિસ્ટમમાં આવ્યા પછી ધારે તો લોકોનું કલ્યાણ કરી શકે, વર્ષો સુધી જે રસ્તાઓ પર જતો માણસ મનોમન આશિર્વાદ આપે એવા રસ્તા બનાવડાવી શકે, પણ અતિશય ભોગ તરફ વળેલા આ લોકો ભુલી જાય છે પોતાનો ભૂતકાળનો સંઘર્ષ અને ભુલી જાય છે UPSC વખતે ખંખોળેલા પુસ્તકોને, આ લોકોએ ગુજરાતને લૂંટીને પોતાની સંપત્તિ એકઠી કરી છે. જો કે આજે નહીં તો કાલે દરેકની કુંડળી ખુલતી હોય છે એમ ગુજરાતના રસ્તાઓને ભ્રષ્ટાચારની ખાઈમાં ધકેલનાર લોકો પણ સામે આવશે..
નિર્ણય લેવાનું કામ સરકારનું, જજ કરવાનું કામ કૉર્ટનું, પ્રજાની હાલાકીનો કોઈ ઉકેલ નથી એ નક્કી
ડેલ્ફને ડિબાર કર્યા પછી મુક્ત કરવાનો નિર્ણય પણ સરકારે લીધો છે, કૉન્ટ્રાક્ટરને જામીન પણ કૉર્ટે આપ્યા છે, જે લોકો આ મામલે ખુબ અંદરથી સંડોવાયેલા હોવા છતા જેમને ક્યારેય ઉની આંચ નથી આવતી એ લોકો હોય છે સરકારી હિસ્સો હોવાનું કવચ પહેરીને બેઠેલા ક્લાસ-1 અધિકારીઓ, પણ આ ચક્રવ્યુહમાં એક વાત સ્પષ્ટ છે કે હાટકેશ્વર માટે ગુજરાતમાંથી કોઈ ટેન્ડર ભરવા રાજી નથી થયું, સરકારે શરત મુકી છે કે આ કામનાં પૈસા કૉન્ટ્રાક્ટર પાસેથી વસુલ કરવામાં આવશે, શું કૉન્ટ્રાક્ટરે આ કામ માટે કોઈ જગ્યાએ ભેટ નહીં ચઢાવી હોય? કૉન્ટ્રાક્ટરને એ ભેટ પાછી મળશે? ભેટ પાછી મળ્યા વગર કૉન્ટ્રાક્ટર કૉર્ટમાં આ મામલાને પડકાર્યા વગર રૂપિયા આપશે? અને શું બ્રિજ તુટીને ફરીથી બનશે? 2012થી શરૂ થયેલું આ કામ 12 વર્ષ પછી આજે પણ અટવાયેલું છે, અને બીજા 5-7 વર્ષ હજુ પણ હાટકેશ્વરને ટ્રાફીકથી રાહત મળે એવા એંધાણ નથી..