રાજ્યના લોકોને રખડતા ઢોરનો ત્રાસ અવાર-નવાર સહન કરવો પડતો હોય છે. તમે પણ જ્યારે રસ્તા પરથી પસાર થાવ છો ત્યારે તમારા મનમાં પણ ડર હોઈ શકે છે કે આ રખડતા ઢોર ક્યાંય આપણી પર હુમલો ન કરી દે. રખડતા ઢોરને પકડવા માટે શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ હાઈકોર્ટ દ્વારા મંગાવવામાં આવ્યો છે. હાઈકોર્ટના કડક વલણ બાદ જ્યારે ટીમ રખડતા ઢોરને પકડવા માટે જતી હોય છે ત્યારે તેમને ઝપાઝપીનો સામનો કરવો પડે છે. અનેક વખત ટીમ પર હુમલા થાય છે. ત્યારે સરખેજ વિસ્તારમાં આ કાર્યવાહી કરવા માટે ટીમ પહોંચી ત્યારે પોલીસની હાજરીમાં ટીમ પર હુમલો કરાયો હતો.


ઢોરને પકડવા જતી ટીમ પર થતા હોય છે હુમલો
આપણે બધા જાણીયે છીએ કે રસ્તા પર રખડતા ઢોર અને રખડતા શ્વાનનો ત્રાસ કેટલો વધી ગયો છે. ત્યારે હાઇકોર્ટે પણ છેલ્લા કેટલાય સમયથી એએમસીને ટકોર કરી રહી છે કે ઢોરને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ દેખાય છે, વાસ્તવિક્તામાં દેખાતી નથી. અનેક વખતની ટકોર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે તંત્ર તો એક્શન મોડમાં આવ્યું છે પણ સાથે સાથે ઢોર માલિકો પણ એક્શનમાં આવી ગયા હોય તેવું લાગે છે. ઢોર પકડવા માટે ટીમ જ્યારે જાય છે ત્યારે તેમની પર હુમલો કરવામાં આવે છે. અનેક કિસ્સાઓ આપણે આવા જોયા છે જેમાં પશુ માલિકો દ્વારા ટીમ પર હુમલો કરાતો હોય.

એએમસીના ડે. કમિશનર પર થયો હતો હુમલો
ત્યારે ફરી એક વાર અમદાવાદનાં સરખેજ વિસ્તરામાં મોડી રાત્રે ઢોર પકડવા ગયેલી ટીમ પર કેટલાક લોકોએ પોલીસની હાજરીમાં હુમલો કર્યો છે. જે બાદ સરખેજ પોલીસ મથકે 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા આવી. ઝપાઝપીના દ્રશ્યો હિંસક છે. બીજી એક ઘટનામાં અમદાવાદનાં મકરબા પ્રાથમિક શાળા પાસે ઢોર પકડવા ગયેલ AMCની ટીમ પર હુમલો કરતા CNCD વિભાગનાં 2 કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. હવે આ બાબતો સામાન્ય બની ગઈ હોય એવું લાગે છે કે તમે મરજી પડે એમ કરોને પછી દાદાગીરી કરો. થોડા દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર પણ હુમલો થયો હતો. દબાણ હટાવવાની કામગીરી ચાલતી હતી અને અમુક લોકો રોષે ભરાયા અને કમિશનર પર હુમલો કરી દીધો.


ઢોર માલિકો માટે જાહેર કરાઈ છે માર્ગદર્શિકા
રાજ્યમાં રખડતા ઢોરને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરાયો છે. તેમજ માર્ગદર્શિકામાં ઢોર માલિક કેટલા ઢોર રાખી રહ્યા છે. તે અંગેની માહિતી રજૂ કરવાની રહેશે અને રજીસ્ટ્રેશન કરાવવું તેમજ ટેગ લગાવવાનું ફરજીયાત કરાયું છે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ કાયદાનું પાલન કેટલું થાય છે પ્રશ્ન!
આપણે ત્યાં કાયદાઓ તો બની જાય છે પરંતુ તેનું અમલ નથી કરવામાં આવતો. અનેક વખત કાયદા ભંગ થવાના કિસ્સાઓ જોયા છે. દારૂબંધીના પણ અનેક એવા કિસ્સાઓ છે જેમાં કાયદાના લીરેલીરા ઉડ્યા છે. ત્યારે રાજ્યમાં આ માર્ગદર્શિકાનું કેટલું પાલન થાય છે તે જોવાનું રહ્યું. પણ જો રખડતા ઢોર અને રખડતા શ્વાન પર કાબુ નહિ મેળવવામાં આવે તો સામાન્ય માણસ ઘરની બહાર નીકળતા પણ 10 વખત વિચાર કરશે.