રખડતા ઢોરનો ત્રાસ કેટલો વધી ગયો છે તે કહેવાની જરૂર નથી. અનેક લોકો કદાચ એવા હશે જેમણે આ ત્રાસને સહન કર્યો હશે. કોઈ વખત જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે તમે પણ કદાચ રખડતા ઢોરને કારણે વાહનને જલ્દી ભગાવ્યું હશે. ત્યારે એએમસી દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. અનેક ઢોરને પકડી લેવામાં આવ્યા છે જ્યારે અનેક ઝોનમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે એએમસી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે રઝળતા ઢોરના ત્રાસને અંકુશમાં લેવા માટે નવી ઘડાયેલી નિતિમાં સુધારો કરવામાં આવ્યો છે. ઢોર રાખવાનું લાઈસન્સ કે પરમિટ નહીં લેનારા પશુમાલિકોએ માત્ર બે દિવસમાં ઢોર શહેરની હદ બહાર ખસેડવાના રહેશે.
હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા કરાઈ રહી છે કડક કામગીરી
એક તરફ ખરાબ રસ્તાથી અમદાવાદીઓ તેમજ ગુજરાતીઓ પરેશાન છે તો બીજી તરફ રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ન માત્ર રખડતા ઢોર પરંતુ રખડતા શ્વાનનો ત્રાસ પણ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે જ્યારે રખડતા ઢોર અથવા તો શ્વાન હુમલો કરતા હોય છે, તેમને અડફેટે લેતા હોય છે. અનેક લોકોના મોત પણ આને કારણે થયા છે. ગુજરાત હાઈકોર્ટે તંત્રને કડક આદેશ આપ્યો છે કે રખડતા ઢોરના ત્રાસનો જલ્દી ઉકેલ લાવવામાં આવે. વાહનચાલકો તેમજ રાહદારીઓને રખડતા ઢોરના હુમલાનો શિકાર બનવું પડે છે. હાઈકોર્ટે આ મામલે કડક આદેશ આપ્યા છે. ઢોર પકડવાની કામગીરી માટે નવી નીતિ ઘડવામાં આવી હતી પરંતુ તેમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે.
ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર થઈ રહી છે - ગુજરાત હાઈકોર્ટ
એએમસી દ્વારા રવિવારે પણ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. સાત ઝોનમાં વિવિધ ટીમ બનાવી આ કામને પાર ઉતારવામાં આવ્યું હતું. આ મામલે હાઈકોર્ટ પણ એકદમ કડક વલણ અપવાની રહી છે. હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલે છે. વાસ્તવિક્તા શું છે તેના સમાચાર અમે ટીવી અને પેપરમાં જોઈએ અને વાંચીએ છીએ. જે અધિકારી આ મામલે ઢીલું વલણ અપનાવી રહ્યા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટને નામ જણાવવા માટે કહ્યું હતું. એવી માહિતી સામે આવી રહી છે કે ઢોર પકડવા જ્યારે એએમસીની ટીમ મકરબા પ્રાથમિક શાળા નજીક પહોંચી ત્યારે તેમની પર હુમલો કરાયો છે.
આરએમસી દ્વારા કરાઈ રહી છે રખડતા ઢોર પકડવાની કામગીરી
હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર રખડતા શ્વાનને પકડવાની કામગીરી ચાલી રહી છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરનો ત્રાસ ન માત્ર અમદાવાદના પરંતુ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવાય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે. આરએમસી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.