ગુજરાતમાં ડ્ર્ગ્સનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ડ્રગ્સ તસ્કરો વિવિધ ટેકનિકો અપનાવીને રાજ્યમાં ડ્રગ્સની તસ્કરી કરતા રહે છે. આજે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 32 કરોડનું બ્લેક કોકેઈન ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 32 કરોડના બ્લેક કોકેઈન સાથે બ્રાઝિલના એક નાગરિકની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પ્રવાસી વિઝા લઈને બ્રાઝિલથી અમદાવાદ આવ્યો હતો.
3.21 કિલો બ્લેક કોકેઈન પકડાયું
બ્રાઝિલના સાઉ પાઉલો એરપોર્ટથી બ્રાઝિલનો એક નાગરિક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની પાસે કોકેઈન હોવાની DRIને માહિતી મળી હતી. જ્યારે આ પ્રવાસી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે DRIએ તેને રોક્યો હતો અને તેની પાસેથી 3.21 કિલો બ્લેક કોકેઈન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 33 કરોડ રૂપિયા થાય છે.
કઈ રીતે ઝડપાયું બ્લેક કોકેઈન
DRIના અધિકારીઓ દ્વારા બ્રાઝિલિયન પેસેન્જરની ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. DRI અધિકારીઓએ વધુ ઝીણવપૂર્વક તપાસ કરતા બે બેગની નીચે કાંઈક છુપાવાયું હોવાનું જણાયું હતું. ફોરેન્સિક સાયન્સ લેબ અધિકારીઓની ટીમ દ્વારા વિશિષ્ટ ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ સાથે સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોકેઈન હોવાનું જાણવા મળ્યું હતું NDPS એક્ટ 1985 ની જોગવાઈઓ હેઠળ 3.22 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. બ્રાઝિલના નાગરિકની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદમાં આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.