રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. માવઠાના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે માવઠાએ સૌથી વધુ ચિંતા ખેડૂતોની વધારી છે, તે ઉપરાંત બદલાયેલા વાતાવરણના કારણે હવાઈ યાત્રિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અનેક ફ્લાઈટ રદ્દ થતાં મસાફરો રઝળી પડ્યા છે.
અનેક ફ્લાઈટ કેન્સલ
અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદના કારણે આજે સવારથી વાતાવરણ ધુમ્મસવાળું બન્યું હતું. અનેક વિસ્તારમાં દૂરની વિઝિબિલિટી જ નથી, અમદાવાદ એરપોર્ટ પર પણ વિઝિબિલિટી ના હોવાને કારણે અનેક ફલાઇટ ડિલે અને કેન્સલ થઈ હતી. ફ્લાઇટ મોડી થવાને કારણે ગત રાતથી જ એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતા. મુસાફરો સતત આવતા-જતા હતા, પરંતુ ફલાઇટ જ ઊપડતી જ નહોતી, જેના કારણે એરપોર્ટની અંદર એસટી બસ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
તમામ એરલાઈન્સની ફ્લાઈટ મોડી
ધુમ્મસને કારણે આ શિયાળાની સિઝનમાં સૌથી વધુ 50 ફ્લાઇટ મોડી પડી છે. મોડી પડેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં એર અરેબિયા, એતિહાદ, એમિરેટ્સ અને સ્પાઇસ જેટની ફ્લાઇટનો સમાવેશ થાય છે. અમિરેટ્સની દુબઈની ફ્લાઇટ એક કલાક જ્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી. એર અરેબિયાની શારજાહાં અને એતિહાદની અબુધાબી ફ્લાઇટ એક-એક કલાક મોડી પડી હતી.