અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર થયેલા ગમખ્વાર અકસ્માતથી સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટનામાં 9 નિર્દોષોના મૃત્યુ થયાં બાદ આ ઘટનાના આરોપી તથ્ય પટેલ અને તેના પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. લોકોએ તેની બરાબરની ધુલાઈ કર્યા બાદ તેને સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. હોસ્પિટલમાંથી તેની સારવાર પૂર્ણ થયાં બાદ પોલીસે તેનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર સામે આંધળી ચિંધવામાં આવી છે. શહેરના આ વ્યસ્ત રોડ પર CCTV ન હોવાથી પોલીસને પણ આ અકસ્માતની તથ્યાત્મક તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
અંતે AMC તંત્ર જાગ્યું અને લીધો આ નિર્ણય
હ્રદય દ્રાવક અકસ્માત બાદ અમદાવાદ મહાનગરપાલિકાને શહેરના તમામ બ્રિજ પર CCTV લગાવવાનું જ્ઞાન લાધ્યું છે. ઈસ્કોન બ્રીજ પરની આ દુર્ઘટના બાદઅમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ મોટો નિર્ણય લેતા શહેરના બ્રીજો પર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. એસ.જી. હાઈવે ઉપરાંત શહેરના તમામ મોટા અને રાત્રે પણ વ્યસ્ત રહેતા બ્રીજ પર અમદાવાદ મહાનગરપાલિકા CCTV લગાવશે. NHAI દ્વારા એસ.જી. હાઈવે AMCને સોંપવામાં આવ્યા બાદ SG Highway પર પણ CCTV લગાવવામાં આવશે તેમજ બ્રીજ પરની સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવશે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અમદાવાદ શહેરમાં મળેલ સ્ટેન્ડીગ કમિટી અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી હસ્તક આવેલ બ્રિજ પર સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી હતી.
84 જેટલા બ્રિજ પર CCTV
આજે અમદાવાદમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યૂનિસિપલ કમિશ્નરને શહેરના 84 જેટલા બ્રિજ પર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે મ્યૂનિસિપલ કમિશનરને જરૂરી સૂચના પણ આપી દેવામાં આવી છે. જ્યારે આ કેમેરા લગાવ્યા બાદ તેનું મોનિટરિંગ કંટ્રોલરૂમ સેન્ટર ખાતેથી કરાવવાની વ્યવસ્થા ગોઠવવાનું પણ જણાવાયું હતું.