ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દીધો બતાય. આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બાળકોના વિકાસમાં તેમને આગળ વધારવામાં ગુરૂ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ગુરૂ અને શિષ્યોના સંબંધને એકદમ પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં અનેક ગુરૂ શિષ્યની જોડી છે જેમને આપણે આજે પણ યાદ કરીએ છીએ. પરંતુ સમાજમાં અનેક શિક્ષકો એવા હોય છે કે ગુરૂ શિષ્યના સંબંધોને લાંછન લગાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદની એક શાળાથી સામે આવ્યો છે જેમાં શિક્ષકે પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. શિક્ષક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર તે કરાટે શિક્ષકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
શિક્ષક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદ
મહિલાઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન મહિલા કોઈના હવસનો ભોગ બની રહી છે. નાની બાળકીઓ પર પણ બળાત્કાર આચરવામાં આવે છે તેવા સમાચારો પણ સામે આવતા હોય છે. ત્યારે એક સમાચાર અમદાવાદની એક શાળાથી સામે આવ્યા છે જેમાં શિક્ષકે બાળકીને ન્યુડ વીડિયો બતાવ્યો. આ ઘટના છે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી એક શાળાની. મળતી માહિતી અનુસાર એકલવ્ય કેમ્પસમાં આવેલી શાળામાં કરાટે ટીચરે વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. કરાટે શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તે શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.
શાળામાં પહોંચેલા શિક્ષકને સસ્પેન્ડ કરવાની કરાઈ માગ!
એકલવ્ય કેમ્પસની વિદ્યાવિહાર સ્કૂલના શિક્ષક આર્ય દુબેએ ધોરણ પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવતો હતો. કરાટે શિક્ષક ન્યુડ વીડિયો બતાવીને વિદ્યાર્થિનીઓને ધમકી આપતો કે જો કોઈને કહેશો તો કરાટે ક્લાસમાં નહીં આવવા દે. પરંતુ આ ઘટના અંગેની વાત વિદ્યાર્થિનીઓએ વ્હાલીઓને કરી. ઘટનાની વાત જાણતા વાલીઓ શાળામાં આવી પહોંચ્યા હતા અને શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. વાલીઓ પછી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. ફરિયાદના આધારે પોલીસ શિક્ષકની દરપકડ કરી લીધી છે.