દિવાળીના તહેવારની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે. ખુશી વ્યક્ત કરવા માટે લોકો ફટાકડા ફોડતા હોય છે પરંતુ અનેક વખત ફટાકડાને કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર ભીષણ આગ પણ લાગતી હોય છે. દિવાળીના સમય દરમિયાન આવી ઘટનાઓ બનવી સામાન્ય હોય છે. ત્યારે દિવાળીના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ ભીષણ આગ અમદાવાદના કાલુપુરમાં લાગી હતી. કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગની ઝપેટમાં અનેક દુકાનો આવી હતી.
કાલુપુર રેવડી બજારમાં લાગી આગ
તહેવારના રંગમાં લોકો રંગાઈ ગયા છે. ધામધૂમથી લોકો આ તહેવારની ઉજવણી કરતા હોય છે પરંતુ અનેક વખત તહેવારની ઉજવણી દરમિયાન દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક જગ્યાઓ પર ફટાકડા ફોડવામાં આવે છે અને તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.ફટાકડા ફોડવાથી ક્ષણિક આનંદ તો મળે છે પરંતુ દિવાળીના ફટાકડાની આડઅસર પણ અનેક જગ્યાઓ પર જોવા મળે છે. ત્યારે સોમવારે મોડી રાત્રે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં ભીષણ આગની ઘટના સર્જાઈ છે. ચાર કરતા વધુ દુકાનો આ આગની ઝપેટમાં આવી છે. આગ લાગવાને કારણે કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર હાલ સામે નથી આવ્યા પરંતુ દુકાનોમાં રહેલો સામાનને કદાચ મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
દિવાળી વખતે આગ લાગવાના કિસ્સાઓમાં થાય છે અનેક ઘણો વધારો
આગ કયા કારણોસર લાગી તે હજી સામે નથી આવ્યું. પરંતુ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન આરંભી દીધો હતો. મહત્વનું છે કે દિવાળીના સમયે આગ લાગવાની ઘટનામાં અનેક ઘણો વધારો થતો હોય છે. કોઈ વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં ફટાકડાને કારણે ઘરમાં આગ લાગતી હોય છે અને આખો પરિવાર વિખેરાઈ જતો હોય છે. દાઝી જવાના કિસ્સાઓમાં પણ વધારો દિવાળીના સમય વખતે જોવા મળતો હોય છે.