આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ પક્ષો તૈયારીઓમાં લાગી ગઈ છે. પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ લોકસભાની 26 બેઠકો છે. દરેક બેઠક પર જીત મેળવવા માટે રાજકીય પાર્ટી પ્રયાસ કરશે. ભરૂચ લોકસભાની બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હતી કોઈ વખત મનસુખ વસાવાને કારણે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે. ફરી એક વખત ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં આવી છે અહમદ પટેલના પુત્ર દ્વારા લગાવવામાં આવેલા બોર્ડને કારણે.
અહમદ પટેલના દીકરાએ લગાવ્યા 'હું તો લડીશ'ના બોર્ડ
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા એક બેનર લગાવવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે હું તો લડીશ. ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પોતાના ફોટા સાથે એક બેનર લગાવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે હું તો લડીશ. લોકસભાની ચૂંટણી પહેલા આવા બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. એવી પણ માહિતી સામે આવી છે કે મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી.
ભરૂચ સીટ બની છે હોટ સીટ!
અનેક વખત રાજકારણમાં પરિવારવાદના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરિવારમાં ફાંટા જોવા મળતા હોય છે. ત્યારે આવો એક કિસ્સો આવનાર સમયમાં ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે. ભરૂચની લોકસભા બેઠક એમ પણ હોટ બેઠક ગણાતી હોય છે. એક તરફ આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે, કોંગ્રેસમાં અહમદ પટેલની દીકરી મુમતાઝ છે તો હવે અહમદ પટેલના દીકરાએ બોર્ડ લગાવ્યું છે. આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવા આવશે. એવા પણ ફોટો સામે આવ્યા છે જેમાં અહમદ પટેલના દીકરા સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી રહ્યા છે.