અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહ્યું છે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા નિતનવા માર્ગો અપનાવી રહ્યા છે. એક તરફ રાજસ્થાનમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હોઈ ચેકપોસ્ટ સીલ હોવા છતાં દારુની હેરાફેરી ગુજરાત તરફ થઈ રહી છે. જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલ પણ પડાવ નાખી વિદેશી દારૂ ભરેલા વાહનો સતત ઝડપી રહી છે. જો કે ગુજરાત પોલીસ દારુ અને નશીલા પદાર્થોને ઝડપી લેવા માટે સતર્ક છે. આવી જ રીતે શામળાજી ચેકપોસ્ટ પરથી વધુ દારુનો જથ્થો ઝડપી લેવાયો છે. શામળાજી પોલીસે 25 લાખ રુપિયાથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી બુટલેગરને દબોચી લીધો હતો.
બાતમીના આધારે કાર્યવાહી
રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને દારૂની તસ્કરી વધી રહી છે. દારૂની ડિમાન્ડ વધતા બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અધીરા બન્યા છે. જો કે બીજી તરફ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં હોવાથી બુટલેગરોના મનસુબાઓ પર પાણી ફરી રહ્યું છે. આજે શામળાજી પીએસઆઈ એસ. કે.દેસાઈ અને તેમની ટીમને રાજસ્થાનના ઉદેપુરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેઈનર રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં આવી રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસે તે કન્ટેઈનરને અટકાવી કોર્ડન કરી તેની તલાશી લેતા અંદરથી 445 દારૂની પેટીઓ, 5340 નંગ બોટલો જપ્ત કરી હતી. પોલીસે કન્ટેઈનરના ડ્રાઈવર યમુનાપ્રસાદ રતનસિંહ રાજપૂત (રહે ભીમ, રાજસમંદ, રાજસ્થાન)ની ધરપકડ કરી દારૂ, કન્ટેઈનર અને મોબાઈલ સહિત કુલ રૂ.35,07,600 નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે વિદેશી દારૂની તસ્કરી કરનારા બુટલેગર હજારી સિંહ રાજપૂત (રહે અજમેર, રાજસ્થાન)ની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.