શિક્ષકો, માજી સૈનિકો, એસ.ટી વિભાગના કર્મચારીઓ
સરકાર વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શવી રહ્યા છે. વિરોધને શાંત કરવા સરકાર
પ્રયાસ કરી રહી છે પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. પોતાના પ્રશ્નોનો હજી સુધી ઉકેલ
ન આવતા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ 19 સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવી છે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જંતર-મંતર
ખાતે આગામી કાર્યક્રમો કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
વધુ ઉગ્ર બનશે આંદોલન
રાજ્ય સરકાર એક બાદ એક આંદોલનમાં ઘેરાઈ રહી છે.
શિક્ષકો, ખેડૂતો, માજી સૈનિકો, આરોગ્ય કર્મી સહિત અનેક સરકારી કર્મચારીઓ વિરોધ
પ્રદર્શન કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાન વેતન આપવા, ફિક્સ
પગાર આપવામાં આવે સહિતની માગને લઈ જૂના સચિવાલય ખાતે આંદોલનકારીઓએ પ્રદર્શન કર્યું
હતું. પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનને વધુ તેજ બનાવા આગામી
કાર્યક્રમ જંતર-મંતર પર કરવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું છે.
માસ સીએલ પર ગયેલા શિક્ષકો વિરૂદ્ધ લેવાશે પગલા
માસ સીએલ પર ઉતરી શિક્ષકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જ્યારે કાળી પટ્ટી પહેરી એસ.ટી વિભાગના કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. ત્યારે માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોની સામે પગલા લેવા સરકારે આદેશ આપ્યો છે. માસ સીએલ પર ગયેલા શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવા શિક્ષણ વિભાગને આદેશ આપ્યો છે.
માજી સૈનિકો સાથેની વાતચીત નિષ્ફળ
પોતાના પ્રશ્નોને લઈ માજી સૈનિકો પણ આંદોલન કરી રહ્યા છે. પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા હર્ષ સંઘવીએ તેમની સાથે વાતચીત કરી હતી. પરંતુ તે બેઠક નિષ્ફળ ગઈ છે. બેઠક થયા બાદ પણ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા માજી સૈનિકોનું આંદોલન પણ યથાવત રહેશે. નારાજ થયેલા આર્મી જવાનો રાજ્યપાલને પોતાને મળેલા મેડલ પરત આપી દેશે.
જંતર-મંતર ખાતે થશે આગામી આંદોલન
એક સમયે શાંત ગણાતું ગુજરાત આજે આંદોલનનો વચ્ચે ઘેરાઈ ગયું
છે. મોટા ભાગના સરકારી કર્મચારીઓ સરકારની નીતિથી નારાજ થઈ સરકાર વિરૂદ્ધ આંદોલન
ચલાવી રહ્યા છે. ગાંધીનગર માં ધરણા કરી પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્નો
ચાલી રહ્યા છે. જો માગ નહીં સ્વીકારાય તો આગામી આંદોલન દિલ્હીના જંતર-મંતર ખાતે
કરવામાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ સરકારની ચિંતામાં વધારો થયો છે.