વરસાદને કારણે અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાના ભાવમાં તો વધારો નોંધાઈ જ રહ્યો છે પરંતુ હવે તો દરેક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થતો હોય છે કોઈ વખત દૂધના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે શાકભાજીના ભાવ તો આસમાને પહોંચી ગયા છે. આદુ 350 કિલોના ભાવે વેચાઈ રહ્યું છે, તો ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ત્યારે હવે ફૂટ પણ આ કેટેગરીમાં આવી ગયા છે. ફળફળાદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
શાકભાજીના ભાવમાં થયો ભડકો
મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. શાકભાજીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે ફ્રૂટના ભાવમાં વધારો ઝીંકાયો છે. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ કરતા પણ મોંઘું શાકભાજી મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે તેમજ બિપોરજોય વાવાઝોડાને કારણે પાક પર ગંભીર અસર પડી છે. ઉત્પાદન ઘટ્યું છે જેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. માર્કેટમાં મળતા શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમીર 100 રુપિયે કિલો, ભીંડા 120 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. રવૈયા 120 રુપિયે કિલો, ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ફ્લાવરનો ભાવ 160 રુપિયે કિલો મળી રહ્યા છે. ત્યારે હવે શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો જોવા મળે છે.
ફળફળાદીના ભાવ પણ પહોંચ્યા આસમાને
ગઈકાલથી અધિક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક લોકો આ સમય દરમિયાન ઉપવાસ રાખતા હોય છે. ત્યારે અધિક માસ બાદ શ્રાવણ મહિનો આવી રહ્યો છે. ત્યારે ઉપવાસના સમય દરમિયાન ફળફળાદીના ભાવમાં વધારો નોંધાતા અધિક ખર્ચો કરવો પડશે. કારણ કે ફળોના ભાવમાં વધારો નોંધાયો છે. સફરજનના ભાવની વાત કરીએ તો 320 રૂપિયે કિલો મળી રહ્યા છે, મોસંબીના ભાવ 499 (10 કિલો) પર પહોંચ્યા છે. ગ્રીન દ્રાક્ષના ભાવ 210 રુપિયે મળી રહ્યા છે.તડબૂચ 40 રુપિયે મળી રહ્યા છે. મહત્વનું છે કે પહેલા લોકો હોલસેલમાં શાકભાજી ખરીદતા હતા ત્યારે હવે લોકો છૂટક શાકભાજી ખરીદી રહ્યા છે. શાકભાજી તેમજ ફળોનું ઉત્પાદન ઘટવાને કારણે ભાવમાં ભડકો નોંધાયો છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. દાડમ 300 રુપિયે મળી રહ્યું છે. મહત્વનું છે કે ફળોમાં ભાવ વધારાથી ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે.