વડોદરાના હરણી સ્થિત મોટનાથ તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભરેલી બોટ પલટી જતા અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. જો કે બોટમાં લગભગ 24 લોકો હતા તે જોતા મૃત્યુઆંક વધવાની શક્યા છે. આ હિચકારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે. રાજ્યના શિક્ષણ વિભાગે તાત્કાલિક શાળાઓ અને કોલેજો માટે એક પરીપત્ર જાહેર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન શું સાવધાનીઓ રાખવાની તે અંગે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે.
પરિપત્રમાં શું સુચનો કરાયા?
રાજ્યની શાળાઓ અને કોલેજોના પ્રિન્સિપાલોને સુચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પહોંચે તે રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક તથા વિકસિત સ્થળોના પ્રવાસોનું આયોજન કરવું. પ્રવાસ માટે સુર્યાસ્ત પછીનો સમય ટાળવાની હિદાયત આપવામાં આવી છે, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફર્સ્ટ એઈડ તથા વાહનમાં ફાયર સેફ્ટીના સાધનો વગર મુસાફરી ન કરવી. શાળાનો પ્રવાસ મરજિયાત રાખવો તે માટે વિદ્યાર્થીઓના વાલીઓ પર ફરજ પાડવી નહીં. વિદ્યાર્થીઓના રહેઠાણ માટે સુરક્ષિત સ્થળ પસંદ કરવું તથા ભોજનની ગુણવત્તાની પણ ચકાસણી કરવી. પ્રવાસના આયોજન અંગે જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીને આગોતરી જાણ કરવી. બિમાર તથા અશક્ત વિદ્યાર્થીઓને પ્રવાસમાં સામેલ કરવા નહીં. પ્રવાસમાં સામેલ થતા ડ્રાઈવર, શાળાના સ્ટાફ સહિતના ઓળખકાર્ડ અચુક સાથે રાખવા. પ્રવાસના આયોજન અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા વાહન વ્યવહાર કચેરીને કરવી.