ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. શમીએ તેની માતા સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું કે તેની માતા તેના માટે ઘણું મહત્વ ધરાવે છે. આ સાથે જ તેણે આશા વ્યક્ત કરી છે કે તેની માતા જલ્દી સ્વસ્થ થઈ જશે. આ તસવીરમાં શમી તેની માતાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. વન ડે વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન શમીની માતાની તબિયત બગડી હતી. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે આ દરમિયાન શમી દેશ માટે મેચ પણ રમી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે શમીના પ્રદર્શનના બધાએ વખાણ કર્યા હતા.
માતા અંગે શું કહ્યું?
વર્લ્ડ કપ બાદ શમીએ એક ઈન્ટર્વ્યુંમાં તેમની માતા અંગે એક વાત કહીં હતી. તેમણે કહ્યું કે તેમના પરિવાર માટે તેમની માતા ખુબ જ મહત્વ ધરાવે છે. શમીએ તે પણ જણાવ્યું કે તેમના પરિવારના લોકો જ તેમના સૌથી સારા મિત્રો છે. દરેક મુશ્કેલ સમયમાં શમીનો પરિવાર તેમની સાથે હતો. આ જ કારણે તે આ કક્ષાએ પહોંચવામાં સફળ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે શમીનો પરિવાર પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ગામમાં રહે છે. શમીએ પોતાના અને નાના ભાઈની ટ્રેનિંગ માટે આ ગામડાના ઘરમાં પીચ પણ બનાવી છે.
વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન
મોહમ્મદ શમીએ વન ડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સૌથી વધુ 24 વિકેટ લેનાર બોલર બન્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે શમીને પ્રથમ ચાર મેચમાં રમવાની તક મળી ન હતી. આમ છતાં તેણે બધાને પાછળ છોડી દીધા અને વિકેટ લેવાની રેસમાં આગળ નિકળી ગયો હતો. ભારતીય પીચ પર ફાસ્ટ બોલરનું આ પ્રદર્શન અતુલ્ય છે. શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.