સેલ્ફી લેવાનો ક્રેઝ લોકોમાં વધી ગયો છે. જ્યારે પણ આપણે નવી જગ્યા પર જતા હોઈએ છીએ ત્યારે આપણે ફોટા પડાવતા હોઈએ છીએ. અને જ્યારે આપણે કોઈ મોટી હસ્તી અથવા તો બોલિવુડ અભિનેતાને જોઈએ ત્યારે તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક ઝલક માટે લોકો પડાપડી કરતા હોય છે. પરંતુ અનેક અભિનેતાઓ એવા હોય છે જેમને સેલ્ફી લેવી પસંદ નથી હોતી! સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નાના પાટેકર સાથે સેલફી લેવા માટે જાય છે તો તે અકળાઈ જાય છે અને તે યુવકને ઝાપટ મારી દે છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા નાના પાટેકર ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં આવી ગયા!
નાના પાટેકરનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ
સોશિયલ મીડિયા પર અભિનેતા નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક વ્યક્તિને લાફો મારતા દેખાઈ રહ્યા છે. ફિલ્મની શુટિંગ માટે નાના પાટેકર હમણાં યુપીમાં છે તેવી માહિતી સામે આવી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શુટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક વ્યક્તિ અભિનેતા સાથે સેલ્ફી લેવા માટે ત્યાં આવી પહોંચે છે. વ્યક્તિને જોઈ નાના પાટેકર અકળાયા અને તેને જોરથી ટપલી મારી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અલગ અલગ લોકોએ આપી વીડિયો પર પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયા બાદ અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે સિનિયર એક્ટર થઈને ફેન્સને આવી રીતે ટ્રીટ કરવું યોગ્ય નથી. તો કોઈએ લખ્યું કે આ કંઈ નવું નથી. તો કોઈએ લખ્યું કે હું નાના પાટેકરનો મોટો ફેન છું પરંતુ તેમનો આ વ્યવહાર શર્મજનક છે. તો કોઈએ લખ્યું નાના પાટેકર સારા છે પરંતુ તે શોર્ટ ટેમ્પર છે. આ વીડિયો પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.