આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વાસવાની મુશ્કેલી વધી છે. ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને મોટો ઝટકો આપતા તેમની આગોતરી જામીન અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન્યકર્મીઓને માર મારવા અને ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોતાની ધરપકડથી બચવા ચૈતર વસાવા હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે.
ગુજરાત સરકારે જામીનનો કર્યો વિરોધ
ગુજરાત હાઇકોર્ટે વનકર્મીઓને માર મારવાનાં કેસમાં હાઇકોર્ટે ચૈતર વાસવાને રાહત આપવા ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે, કયા અધિકાર હેઠળ ધારાસભ્યએ વનકર્મીઓને બોલાવ્યા હતા?, આ કેસને લઇને હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, તો વળી, જામીન અરજી નામંજૂર થતા જ ચૈતર વસાવાએ વકિલ દ્વારા રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. જો કે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશનનો કેસ છે અને સરકારી કર્મચારીઓના માર મારવાનો ગંભીર કેસ છે તેથી વસાવાની અરજી નામંજૂર કરવામાં આવે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વનક્રમીઓને આ રીતે બોલાવી અને ધમકી આપવી તે શું આવું કામ તેમને શોભે છે?
અગાઉ સેશન્સ કોર્ટે જામીન કર્યા હતા નામંજુર
ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી આ પહેલા પણ ના મંજૂરી થઇ ચૂકી છે, અગાઉ સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. જોકે, આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે. જમીન સંબંધિત આ કેસમાં વનકર્મીઓને માર મારવાના અને જાહેરમાં ગોળીબાર મામલે ધારાસભ્ય અને તેમની પત્ની સહિતના કેટલાક લોકો સામે ગુનો નોંધાયેલો છે.