પોલીસની કામગીરી અનેક વખત વિવાદાસ્પદ રહી છે. અનેક એવા સમાચાર પોલીસ વિભાગથી સામે આવતા હોય છે જેને સાંભળ્યા પછી આપણને શરમ આવે અને પ્રશ્ન થાય કે પોલીસ આવું કેવી રીતે કરી શકે? પોલીસનું કામ છે લોકોની રક્ષા કરવાનું પરંતુ પોલીસ જ્યારે ભક્ષક બને ત્યારે? થોડા સમય પહેલા ગીરસોમનાથથી એક ઘટના સામે આવી હતી જેમાં વિધવા મહિલા પર પોલીસકર્મીએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસને પોલીસ વિરૂદ્ધ એક્શન લેવા પડ્યા છે. ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. દુષ્કર્મ કાંડ બાદ જિલ્લા પોલીસ વડાએ એલસીબી અને એસઓજીના 8 પોલીસકર્મીની આંતરિક બદલી કરી દીધી.
મહિલાએ આક્ષેપ લગાવ્યો કે....
થોડા સમય પહેલા ગીર સોમનાથથી એક કિસ્સો સામે આવ્યો હતો. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલાએ બે પોલીસકર્મી, હોમગાર્ડ સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તે પણ શારીરિક શોષણની... જે પ્રમાણે આરોપ લગાવવામાં આવ્યો છે તે પ્રમાણે વાત એમ હતી કે મહિલાના પતિ દારૂનો અડ્ડો ચલાવતા હતા. પતિના અવસાન બાદ પોતાના સંતાનોનું પેટ ભરવા માટે મહિલાએ દારૂના અડ્ડાને સંભાળ્યો. દારૂનો અડ્ડો મહિલા ચલાવતી હતી જેને લઈ પોલીસ કર્મી તેને હેરાન કરતા. મહિલાએ એવો આક્ષેપ લગાવ્યો કે હપ્તો આપવા છતાંય તેની પાસેથી બીભત્સ માંગણીઓ કરવામાં આવતી. શારીરિક સંબંધો બાંધવા માટે તેને કહેવામાં આવતું. આવું અંદાજીત ત્રણ મહિના સુધી ચાલ્યું..
જ્યારે પોલીસને જ પોલીસ કર્મી વિરૂદ્ધ ફરિયાદ કરવી પડે ત્યારે...
અંતે મહિલાએ કંટાળીને પોલીસમાં પોલીસકર્મી વિરૂદ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો. મહિલાએ પોતાના ફોનમાં પુરાવાઓ સાચવીને રાખ્યા હતા.. મહિલાએ જ્યારે નિવેદન આપ્યું ત્યારે તેણે કહ્યું કે હું મારૂં શરીર નથી વેચી રહી..! આ બાદ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા અને ચાર આરોપી જેમની વિરૂદ્ધ મહિલાએ ફરિયાદ કરી હતી તેમને પોલીસે ઝડપી પાડ્યા છે. જે ચાર લોકોને પકડવામાં આવ્યા તેમાં બે પોલીસ કોન્સ્ટેબલ હતા, એક હોમગાર્ડ હતો અને એક વહીવટ કરવા વાળો હતો.
કાર્યવાહીના રૂપમાં આંતરિક બદલી કરવામાં આવી!
પોલીસની વર્દી પર અનેક વખત કલંક લાગ્યા છે. એ પછી તોડકાંડ હોય છે કે પછી સામાન્ય માણસ જોડે કરવામાં આવતો વ્યવહાર હોય. પોલીસનું કામ હોય છે રક્ષા કરવાનું, જે લોકો કાયદા તોડે છે તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવાનું, તેમના વિરૂદ્ધ એક્શન લેવાનું. પરંતુ તે વાત પણ એટલી દુર્ભાગ્ય પૂર્ણ છે કે પોલીસને જ પોલીસ વિરૂદ્ધ એક્શન લેવા પડે છે. પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરવી પડે છે, તેમના વિરૂદ્ધ એક્શન લેવા પડે છે. આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ એસઓજી અને એલસીજીમાં મોટા પાયે બદલાવ કર્યા છે. આંતરિક બદલી કરી છે. પરંતુ આવી આંતરિક બદલી કરવાથી સમસ્યાનો ઉકેલ નથી આવવાનો.
પોલીસે કાર્યવાહી કરી દાખલા બેસાડવા પડશે!
પોલીસનું કામ છે નાગરિકોની રક્ષા કરવાનું... પરંતુ રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે? જેમની પર ન્યાય અપાવવાની જવાબદારી છે તેમના વિરૂદ્ધ જ ફરિયાદ કરવી પડે ત્યારે? સામાન્ય રીતે પોલીસ સીધી રીતે નાગરિકોના સંપર્કમાં રહેતી હોય છે. લોકોને કોઈ પણ પરેશાની હોય તો તે ન્યાય માટે પોલીસ પાસે જાય છે. પોતાની ફરિયાદ લઈ પોલીસ પાસે જાય છે એ આશા સાથે કે તેને ન્યાય મળશે.. તેનો અવાજ સાંભળવામાં આવશે. પરંતુ ફરિયાદ જ જો પોલીસ સામે કરવાની હોય તો? પોલીસે એવા દાખલા કાર્યવાહી કરી બેસાડવા પડશે જેને લઈ પોલીસ વિભાગમાં પણ ડર બેસે કે ખોટું કરશો તે કાર્યવાહી કરવામાં આવશે.