ભારતના પહેલવાનોએ જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. અધ્યક્ષ પદથી હટાવવાની માગ કુશ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થયા બાદ ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. ખેલ મંત્રાલય દ્વારા કમિટીની રચના કરવામાં આવશે જે તપાસ કરી રિપોર્ટ સબમિટ કરશે. તપાસ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ WFIનું કામકાજ નહીં કરી શકે ઉપરાંત એડિશનલ સચિવ વિનોદ તોમરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અનુરાગ ઠાકુર સાથે થયેલી બેઠક બાદ ધરણા સમાપ્ત
બુધવારથી ભારતના પહેલવાનો જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. બ્રિજભૂષણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી તેમની માગ હતી. આ મામલાની નોંધ ખેલમંત્રાલયે લીધી. પહેલવાનો સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બે વખત બેઠક કરી હતી. પ્રથમ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા બીજા દિવસે ફરી એક બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ આ કેસની તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત થયા બાદ પહેલવાનોએ પોતાના ધરણા સમાપ્ત કરી લીધા હતા.
ટૂર્નામેન્ટ અને બેઠક કરાઈ રદ્દ
એક્શનના ભાગ રૂપે ખેલમંત્રાલયે રેસલિંગ ફેડરેશનના તમામ કામો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરાંત તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ ફેડરેશનનું કામ નહીં સંભાળે. ઉપરાંત યુનિયનના એડિશનલ સેક્રેટરીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે સિવાય ખેલ મંત્રાલયે ટૂર્નામેનેટો પણ કેન્સલ કરી દીધી છે. અને અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક પણ રદ કરી દેવામાં આવી છે.