અરૂણાચલ પ્રદેશમાં શુક્રવારે લોક સેવા આયોગનું કથિત રીતે પેપર ફૂટતા આખો દિવસ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરવા પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પેપર લીક મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પ્રદર્શનને લઈ ઈટાનગરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઈટાનગર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયું હતું ઘર્ષણ
ગુજરાત હોય કે અન્ય કોઈ રાજ્ય પરીક્ષાના પેપર ફૂટવા જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત પરીક્ષાના પેપર લીક થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં કથિતરૂપે લોક સેવા આયોગના પેપરલીકનો મામલો સામે આવ્યો છે. પેપરલીક થવાની માહિતી સામે આવતા શુક્રવારે પરીક્ષાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર પરીક્ષાર્થીઓ ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ
પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે ઈટાનગરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પ્રદર્શનને જોતા ઈટાનગરમાં બજાર, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કાર્યાલયો બંધ રાખવામાં આવશે.