લોકસભા ચૂંટણી માથે છે ત્યારે દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, કેન્દ્રની મોદી સરકાર પણ વધતી મોંઘવારીથી ચિંતિત છે. તેમાં પણ ડુંગળી અને ખાંડના વધેલા ભાવને રોકવા માટે સરકારે તાત્કાલિક પગલા લીધા છે. દેશમાં ખાંડ અને ડુંગળીનો પુરતો જથ્થો જળવાઈ રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે ખાંડની મિલો પર ઈથેનોલ બનાવવા પર રોક લગાવી દીધી છે. ખાંડ મિલો અને ડિસ્ટીલરી શેરડીના રસનો ઉપયોગ ખાંડ બનાવવાના બદલે ઈથેનોલ બનાવવામાં વધુ કરી રહી હોવાથી સરકારે આ પગલું ભર્યું છે.
ડુંગળીના ભાવે સરકારની ચિંતા વધારી
ડુંગળીના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે આ અગાઉ નિકાસ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ 800 ડોલર પ્રતિ ટન નિર્ધારીત કરી હતી. દેશના રિટેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અને સરકારના તમામ પ્રયાસો છતાં ભાવ કાબુમાં આવી નથી રહ્યા. સત્ય તો એ છે કે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હોવા છતાં દેશમાંથી દર મહિને એક લાખ ટન ડુંગળીની નિકાસ થાય છે. આ જ કારણે દેશમાં ડુંગળીની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર જળવાઈ રહી છે.
ખાંડની કિંમત કાબુમાં લેવા મથામણ
કેન્દ્રની મોદી સરકાર ખાંડના વધતા ભાવથી પણ ચિંતિત છે, સુગર મિલો અને ડિસ્ટલરીઝને શેરડીના રસમાંથી ખાંડના બદલે ઈથેનોલનું ઉત્પાદન કરવામાં પસ વધુ છે કારણ કે તેમાં વળતર વધારે મળે છે. સુગર મિલો તેમના ઈથેનોલ ઉત્પાદનને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વેચી રહી છે. જો કે તેના કારણે ખાંડનું ઉત્પાદન ઘટતા ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે જ્યારે સરકારે સુગર મિલોને ઈથેનોલ ઉત્પાદન તાત્કાલિક અસરથી બંધ કરવા કહ્યું છે ત્યારે ખાંડના ઉત્પાદનમાં 18-20 લાખ ટન જેટલો વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે, જેથી ખાંડના ભાવને કાબુમાં લેવામાં મદદ મળી શકશે.