થોડા દિવસો પહેલા નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. હળદર બનાવવામાં માટે હળદરની જગ્યાએ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રાજ્ય સરકાર દ્વારા પણ આ મામલે કડક એક્શન લેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે 2 લોકો સામે ડુપ્લીકેટ હળદર બનાવવા મામલે આઈપીસીની ચાર કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે ઝડપી પાડી હતી નકલી હળદર બનાવતી ફેક્ટરી
હળદરને આરોગ્ય માટે સૌથી સારો પદાર્થ માનવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે. ત્યારે નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે નકલી દારૂ બનાવવા માટે કેમિકલ ફેક્ટરીમાં ઉતારવામાં આવ્યું છે. જેને લઈ પોલીસે ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને જે મળ્યું તેને જોઈ પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, દારૂ નહીં પરંતુ નકલી હળદર બનાવવા માટે કેમિકલ ઉતારવામાં આવ્યું હતું. પોલીસે નકલી હળદર બનતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે આવનાર સમયમાં કોઈ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે રાજ્ય સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અને તેને લઈ બે લોકો વિરુદ્ધ આઈપીસીની ચાર કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આઈપીસીની કલમ 420,272,273,120 લગાવવામાં આવી છે.
શું કડક કાર્યવાહી કરવાથી ભેળસેળ કરતા લોકોમાં ડર ઉભો થશે?
આજકાલ મુખ્યત્વે એવી એક પણ વસ્તુ નથી મળતી જેમાં ભેળસેળ કરવામાં આવી ન હોય. અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. કોઈ વખત ઘીમાં ભેળસેળના કિસ્સા સામે આવતા હોય છે તો કોઈ વખત મસાલામાં ભેળસેળ થયા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. લોકો થોડા પૈસા કમાવાની લાલચમાં અનેક લોકોના જીવન સાથે ચેડા કરે છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અથવા તો કરાશે તો તેની અસર ભેળસેળ કરતા અન્ય લોકો પર થશે? તે લોકો સુધરશે કે કેમ તે એક પ્રશ્ન છે.