થોડા દિવસો પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનું કમળ ખીલ્યું છે મતલબ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનશે જ્યારે મિઝોરમમાં ZPMએ જીત હાંસલ કરી છે. પાંચ રાજ્યોમાંથી માત્ર એક રાજ્યમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. જો રાજ્યમાં કોંગ્રેસની જીત થાય છે તો ઈવીએમ બરોબર છે પરંતુ જો કોંગ્રેસની હાર થાય છે તો ઈવીએમમાં ગડબડ છે તેવા આક્ષેપો કરવામાં આવે છે. ઈવીએમ પર સવાલ મધ્યપ્રદેશ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે. એમપી કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે કે લોકતંત્ર ફેલ થયું, ઈવીએમમાં ખેલ થયો.
ઈવીએમની કામગીરી પર કોંગ્રેસે અનેક વખત સવાલ ઉઠાવ્યા છે!
સામાન્ય રીતે આપણે જોયું હશે કે જો વાત આપણી તરફેણમાં હોય તો આપણે તેનો વિરોધ નથી કરતા અને જ્યારે એ જ વાત આપણા વિરોધમાં કરાય ત્યારે આપણી પ્રતિક્રિયા અલગ હોય છે! આવા કિસ્સાઓ ચૂંટણી પરિણામોમાં તો અવશ્ય જોવા મળતા હોય છે. જો રાજ્યમાં તેમની પાર્ટીની જીત થાય તો ઈવીએમ મશીન વ્યવસ્થિત અને જો બીજી પાર્ટી જીતે તો? ઈવીએમમાં ગડબડી કરી જીત હાંસલ થઈ છે તેવી વાતો શરૂ થઈ જાય. અનેક વખત આવા કિસ્સાઓ બન્યા છે. કોંગ્રેસે અનેક વખત ઈવીએમની કામગીરી પર સવાલ કર્યા છે. ત્યારે એમપી કોંગ્રેસ દ્વારા ઈવીએમની કામગીરીને લઈ ટ્વિટ કરવામાં આવ્યું છે.
હાર બાદ ઈવીએમ પર કોંગ્રેસે કર્યા સવાલ!
કોંગ્રેસ દ્વારા અનેક વખત ઈવીએમની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ આવ્યા. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસની હાર થઈ હોય અને ઈવીએમની કામગીરી પર પ્રશ્ન ન ઉઠે તે તો કદાચ અશક્ય છે! મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર થઈ છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે જે રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે ત્યારે ત્યારે ઈવીએમની કામગીરી પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ જ્યારે કોંગ્રેસની જીત થાય છે ત્યારે કેમ ઈવીએમ અંગે કોઈ ચર્ચા નથી કરવામાં આવતી? જે રાજ્યમાં જીત મળે ત્યાંનું ઈવીએમ મશીન બરાબર અને જે રાજ્યમાં હાર મળે ત્યાં ઈવીએમમાં સેટિંગ કરવામાં આવ્યું છે તેવી વાતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે.
કોંગ્રેસની સરકાર જીતે તો ઈવીએમ બરાબર અને ના જીતે તો?
ઈવીએમની કામગીરી પર પ્રશ્ન કોંગ્રેસ ઉપાડે એ કદાચ નવું નથી. જ્યાં જ્યાં કોંગ્રેસની હાર થઈ છે તે તે રાજ્યોમાં મુખ્યત્વે આ મુદ્દો, આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય કે ઈવીએમમાં ગડબડી ત્યાં જ થાય છે જ્યાં કોંગ્રેસની હાર હોય છે? જે રાજ્યમાં કોંગ્રેસની જીત થાય છે તે અંગેની ચર્ચા કેમ નથી કરવામાં આવતી એ એક સવાલ છે. એમપી કોંગ્રેસ દ્વારા માત્ર એક ટ્વિટ કરવામાં આવ્યું હોય આ અંગે એવું નથી પરંતુ અનેક ટ્વિટ કરવામાં આવ્યા છે. બીજી એક ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે ઈવીએમની વાત કરો તો બીજેપી તડપી ઉઠે છે. આખરે આ કયો સંબંધ છે? એવું પણ ટ્વિટ કરવામાં આવી છે કે ઈવીએમ જીતી ગયું અને તમારો મત હારી ગયો.