સીરપકાંડની ચકચારી ઘટનાએ કેટલાયના પરિવારો ઉજાડયા છે. તોય લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. ખેડા જીલ્લા પોલીસના જવાનોને અડધી રાત્રે શેઢી નદીમાં જીવના જોખમે સિરપની બોટલો શોધવા નીકળવું પડ્યું છે. ચકચારી સિરપકાંડમાં એક બાદ એક ભેદ ખૂલી રહ્યા છે. ઘણા પરિવારોના ઘર ઉજડ્યા છે, પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સીરપ પીવાથી અત્યારસુધી 6 લોકોના મોટ નિપજ્યા છે.આ વચ્ચે પણ સીરપ પીવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.
40 વર્ષીય વ્યક્તિએ પીધી સીરપ અને બગડી તબિયત!
નડિયાદના નવા બિલોદરાના 40 વર્ષીય વ્યક્તિએ આ સિરપનો ઘૂંટ મારતા તેમની તબિયત લથડી છે. જે બાદ તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ વ્યક્તિએ પોલીસની સમક્ષ એવું નિવેદન આપ્યું છે કે, ઘરકંકાસમાં ઘર છોડી તે નજીક આવેલી શેઢી નદીએ પહોંચ્યા હતો. જ્યાં નદીના કાંઠે પડેલી સિરપની બોટલ ઘરે લાવી પીધી હતી. આ બનાવ બાદ પોલીસે નદીકાંઠે પહોંચી સર્ચ હાથ ધર્યું છે.
ઘરકંકાસને કારણે પીધી સીરપ!
નડિયાદ તાલુકાના નવા બિલોદરા ખાતે આવેલા કર્મવીર નગરના મકાન નંબર 8મા હેમંતભાઈ રતીલાલ ચૌહાણ રહે છે. ઘરકંકાસના કરાણે તે ઘર નજીક આવેલી શેઢી નદીના કાંઠે પહોંચ્યો હતો. જ્યાં તેની નજર સિરપની ખાલી અને ભરેલી બોટલો ઉપર પડી હતી. જેથી બે સિરપની બોટલ પોતાના સાથે ઘરે લાવી ગતરોજ મોડી રાત્રે પી લીધી હતી. જે બાદ હેમંત ચૌહાણની તબિયત લથડતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો સર્ચ માટે!
બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ મોડીરાત્રે શેઢી નદીના પટમાં પહોંચી તપાસ હાથ ધરી હતી. નદીના ચારેય બાજુ સર્ચ કરી તરતી સિરપની બોટલો એકત્ર કરી હતી અને વધુમાં મોડી રાત હોવાથી વહેલી સવારે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમની મદદથી નદીમાં હજી વધારે સિરપની બોટલો હોય તો તેને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. વધુમાં જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે, નાગરિકો પોલીસને સહકાર આપે અને આવી કોઈ ચીજવસ્તુઓ મળી આવે તો તુરંત નજીકના પોલીસ મથકે જાણ કરે.