ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરૂવારના રોજ અમદાવાદના નરોડાથી લઈ ચાંદખેડા સુધી રોડ-શો યોજ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગ રૂપે પીએમના આગમનના થોડા સમય પહેલેથી રોડ-રસ્તાને બંધ કરી દેવાયા હતા. રસ્તા બંધ થતા હજારો લોકોને મુશ્કેલી વઠેવી પડી હતી.
વ્યવસ્થાના ભાગરૂપેે અનેક રસ્તાઓ કરાયા હતા બંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદમાં મેગા રોડ શો યોજ્યો હતો. નરોડાથી લઈ ચાંદખેડા સુધી તેમણે રોડ-શો કર્યો હતો. મુખ્યત્વે અમદાવાદની તમામ બેઠકોને આવરી લેતી આ યાત્રા હતી. પરંતુ આ યાત્રાને કારણે અમદાવાદીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત AMTS-BRTS બસ પણ બંધ હોવાને કારણે મુસાફરો પણ અટવાઈ ગયા હતા.
સર્જાઈ ટ્રાફિક જામની સમસ્યા
વડાપ્રધાન મોદી જે રસ્તે જવાના હતા તે રસ્તાને અડધો કલાક પહેલીથી બંધ કરી દેવામાં આવતો. જેને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક સ્થળો પર તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે પીએમના ગયા પછી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પહેલા તો પીએમ મોદીના આગમનની રાહ જોવામાં અને તેમના ગયા પછી ટ્રાફિક જામ દૂર થાય તે માટે રાહ જોવા અમદાવાદીઓ મજબૂર બન્યા હતા.
ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ
અનેક સ્થળોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત અનેક રસ્તાઓ બંધ હોવાને કારણે લોકોને ફરી ફરીને પોતાના સ્થાને જવું પડતું હતું. ટ્રાફિક જામ હોવાને કારણે સ્થાનિકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત કલાકો સુધી લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.