તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સી દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં કડક કાર્યવાહી કરી રહી છે. આ સંદર્ભે જ સીએમના પુત્રી કવિતાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર 9 માર્ચે કવિતાની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલાં ડિસેમ્બરમાં સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી. આ કેસમાં ઈડીએ કવિતાના નજીક ગણાતા અરૂણ આર પિલ્લઈની ધરપકડ કરી લીધી છે.
ઈડીએ કવિતાને પાઠવ્યું સમન્સ
કથિત દારૂ કૌભાંડને લઈ કડક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અનેક લોકોની પૂછપરછ તેમજ ધરપકડ કરવામાં આવી રહી છે. મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. થોડા દિવસો પહેલા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી અને 20 માર્ચ સુધી તેઓ કસ્ટડીમાં રહેશે.
તપાસમાં સાઉથ ગ્રુપનું કનેક્શન આવ્યું હતું સામે!
ઈડીએનું કહેવું છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને વિધાનપરિષદના સભ્ય કે. કવિતા અન્ય લોકો સાથે મળી સાઉથ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. દારૂ કૌભાંડની તપાસ દરમિયાન સાઉથ ગ્રુપનું નામ સામે આવ્યું હતું. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને તેમાંથી 100 કરોડ રુપિયા મળ્યા હતા. એવો પણ ખુલાસો થયો કે સાઉથ ગ્રુપમાં કવિતા સામેલ છે જેમાં બીજા અનેક લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે ઈડી તરફથી કવિતાને સમન્સ મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક દિવસ પહેલાં જ અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરવામાં આી છે.