ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે માહોલ ગરમ થઈ ગયો છે આ દરમિયાન ગુજરાતમાં નેતાઓ સભાઓ યોજી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ નેતાઓ સતત દિવસ રાત એક કરી રહ્યા છે. આ દરમિયાન અમરેલીના રાજુલમાં ભાજપના ઉમેદવાર હિરા સોલંકીનો વિવાદીત વિડીયો સામે આવ્યો છે. હીરા સોલંકી વિડિયોમાં ધમકી આપતા જોવા મળી રહ્યા છે."આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓને કોઈના બાપથી આ વખતે, કોઈના બાપથી બીતા નહી, અહી હીરા સોલંકી બેઠા છે".
ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે .રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો વિવાદીત વિડીયો વાયરલ થયો છે. જાફરાબાદની ગ્રામીણ સભામાં હીરા સોલંકીએ જોઈ લેવાની ધમકી આપતા કહ્યું કે, એક વાત આપના ધ્યાન પર મૂકવાની છે, આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓને કોઈના બાપથી આ વખતે, કોઈના બાપથી બીતા નહી, અહી હીરા સોલંકી બેઠા છે. ધાકધમકી આપવા વાળા નીકળ્યા છે ને એ બધાના ડબ્બા ગુલ કરી કરી નાખીશ, માહોલ ડહોળવા નીકળ્યા છે ત્યારે સમાજે ધ્યાન રાખવું પડે, તમે ખાલી જાફરાબાદનુ સાચવી લેજો, બાકી બધું મારા પર મૂકી દો. ભાજપ ખૂબ સારા મતે જીતવા જઈ રહ્યું છે, માહોલ ડહોળવાનો પ્રયત્ન જે કરતા હોય તેમને કરવા દેજો ચૂંટણી પછી ઈ છે ને હું છું.
કોણ છે હીરા સોલંકી
રાજુલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પૂર્વ મંત્રી પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. તેમજ ગુજરાતમાં કોળી સેનાના પ્રમુખ છે. 20 વર્ષ સુધી હીરા સોલંકીએ રાજુલા વિસ્તારમાં પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષો પહેલા મુંબઇથી પહેલી વખત ચૂંટણી લડવા આવ્યાં ત્યારે હીરા સોલંકી અને પુરષોતમ સોલંકી બંનેની 'ભાઈ' તરીકેની છાપ હતી.