નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ બાદ કિરણની પત્ની માલિની પટેલની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના પત્નીની ધરપકડ નડિયાદથી કરી લીધી છે. મકાન પચાવી પાડવાના કેસમાં માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર માલિની પટેલ સામે 35 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો છે.
નડિયાદથી માલિની પટેલની થઈ ધરપકડ
થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીર પોલીસે નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ કરી લીધી છે. જે બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. કિરણ પટેલના કારનામા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. કિરણ પટેલનો મામલો હજી શાંત નથી થયો ત્યાં તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી લીધી છે. ઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી.
ઠગે પૂર્વમંત્રીના ભાઈનું ઘર પચાવી પાડ્યું?
સમગ્ર મામલાની વાત કરીએ તો પૂર્વમંત્રીના ભાઈના બંગ્લામાં રિનોવેશના નામે 35 લાખ પડાવ્યા હતા જેને લઈ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. રિનોવેશનના નામે પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના બંગલોને પચાવી લીધી હતી. જેને પગલે કિરણ પટેલ અને માલિની પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નડિયાદથી માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કિરણ પટેલે પોતે સરકારી અધિકારી છે તેવું જણાવ્યું હતું. જગદીશ ચાવડાના બંગલામાં હવન કરાવી ઘરની બહાર પોતાના નામનું બોર્ડ લખી દીધું. જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.