ગુજરાતમાં આજે લોકો ઉલ્લાસભેર બેસતા વર્ષની ઉજવણી કરશે. કોરોના મહામારી પછી આ વર્ષે લોકોમાં તહેવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો દિવાળી પછી પોતાના વતન જતા રહ્યા છે, જ્યાં પરિવારના અન્ય સભ્યો સાથે મળીને આગળના તહેવારો ઉજવશે. આ સિવાય અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો પરિવાર અથવા મિત્રો સાથે ફરવા માટે પણ ઉપડી ગયા છે.
નવરાત્રિ હોય કે દિવાળી, બે વર્ષથી લોકોએ તમામ તહેવારો કોરોના મહામારીને કારણે પોતાના ઘરે બેસીને પસાર કર્યા હતા. તહેવારોમાં લોકો એકબીજાના ઘરે જાય, પરિવાર સાથે ફરવા જાય, મિત્રોની મુલાકાત કરે, પરંતુ કોરોના મહામારીને કારણે જાણે તહેવારોની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હતી. પરંતુ હવે જ્યારે તમામ નિયંત્રણો હટી ગયા છે ત્યારે આ વર્ષે લોકો હોંશેહોંશે તહેવારની ઉજવણી કરી રહ્યા છે. અમદાવાદના બજારોમાં દિવાળી પહેલા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રસ્તાઓ પર પણ રોનક જોવા મળી રહી હતી. રજાઓનો લાભ લઈને લોકોએ ફરવા જવાના પ્લાન પણ બનાવ્યા છે. મોટાભાગના ફરવાલાયક સ્થળોએ હોટલો ઘણાં સમય પહેલાથી જ બૂક થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે લોકો ધનતેરસના દિવસે અથવા તો દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે. અમદાવાદ શહેરમાં દિવાળીની સાંજથી જ જાણે સન્નાટો છવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. રસ્તા પર ચોક્કસપણે સામાન્ય અવરજવર છે, પરંતુ મોટા પ્રમાણમાં લોકોની ચહલપહલ જણાઈ નથી રહી. કાંકરિયા, લો ગાર્ડન વગેરે સ્થળોએ પણ સામાન્ય ભીડ જ જોવા મળી હતી. તેનું કારણ એ છે કે, મોટી સંખ્યામાં લોકો ચોપડા પૂજન પછી બેસતા વર્ષની ઉજવણી કરવા પોતાના વતન જવા નીકળી ગયા હતા.
આપણે સૌ જાણીએ છીએ કે શહેરમાં વસતા મોટાભાગના લોકોના સ્વજનો ગુજરાતના અન્ય સ્થળોએ જેમ કે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાં વસતા હોય છે. આખું વર્ષ પોતાના વ્યસ્ત જીવનથી કંટાળેલા શહેરીજનો વતન જઈને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાને પ્રાથમિકતા આપતા હોય છે. જેના કારણે અમદાવાદના રસ્તા ભેંકાર બન્યા હતા. આ સિવાય ઘણાં લોકો પરિવાર અથવા મિત્રો સાથે રાજસ્થાન, મુંબઈ, ગોવા વગેરે જેવા ફરવાલાયક સ્થળોએ પહોંચી ગયા છે. આટલુ જ નહીં, ધાર્મિક સ્થળો પણ હાઉસફૂલ થઈ ગયા છે.
નોંધનીય છે કે વેપારીઓ ધનતેરસ અથવા દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે છે, લક્ષ્મી પૂજા કરે છે અને ત્યારપછી લાભપાંચમ અથવા સાતમ સુધી રજા રાખતા હોય છે. મોટાભાગની દુકાનો સાતમ પછી જ ખુલતી હોય છે. કોરોના મહામારીને કારણે બે વર્ષ સુધી બજારમાં પણ મંદી રહી હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ જતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.