ગુજરાતમાં ભાજપ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની આખી ફોજ મેદાનમાં ઉતારી છે. આ સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સ્મૃતિ ઈરાની, હેમા માલિની, હેમંત બિસ્વા, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
19 નવેમ્બરે ગુજરાત આવશે પીએમ મોદી
નરેન્દ્ર મોદીને ભાજપના સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. અનેક મતદારો ભાજપને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને મત આપે છે. ત્યારે મતદારોને આકર્ષવા વડાપ્રધાન મોદી 19 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવી ચૂંટણી સભાઓને ગજવવાના છે. દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં તેઓ જનસભા સંબોધવાના છે. ઉપરાંત વલસાડ, સુરેન્દ્રનગરમાં સભાઓનું આયોજન કરવામાં આવશે.
અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. થોડા સમય પહેલા ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. ઉમેદવારોના નામોને લઈ અનેક નેતાઓ નારાજ પણ થયા હતા. અમિત શાહ ભાજપનો પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ ડેમજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક ઉમેદવારોએ તેમની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે ઘોટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. સ્મૃતિ ઈરાની પણ હાલ ગુજરાતના પ્રવાસે છે.