સવારથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા અંગે ચર્ચાઓ થઈ રહી છે. આપનો છેડો ફાડી તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જ્યારે નેતા રાજકીય પક્ષમાંથી છૂટા થઈ ભાજપ સાથે જોડાવાની વાત કરે છે ત્યારે મનમાં આપણે કહેતા હોઈએ છીએ કે ભાજપમાં જવાથી નેતાઓ પવિત્ર થઈ જાય છે! નેતાના પાપ ધોવાઈ જાય તેવી ચર્ચાઓ સામાન્ય રીતે થવા લાગે છે. ત્યારે ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આપ ગુજરાતે એક ટ્વિટ કર્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ભૂપતભાઈના પાપ ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા! તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ રાજીનામાને લઈ ટ્વિટ કર્યું છે. એક મીડિયા ચેનલનો વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે કેપ્શન આપ્યું છે કે ભાજપના ઈશારે ભૂપત ભાયાણીએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!
ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે હું વિસાવદરના લોકોની માફી માગું છું. ઉમેદવાર પસંદ કરવામાં અમારી ભૂલ થઈ છે. પરંતુ મને વિશ્વાસ છે કે વિસાવદરના લોકો આવનાર ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે. એનો મને પુરો વિશ્વાસ છે. અમારા ધારાસભ્યોએ ઈમાનદારીથી કામ કર્યું છે. ભાજપ આપથી ડરી ગયું છે. ભાજપના નેતાઓને કામ કરવામાં કોઈ રસ નથી. ભાજપ છેલ્લા એક વર્ષથી આપના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.