વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ગઈકાલે ધારાસભ્યપદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.આ ઘટના બાદ ગઈકાલથી આમ આદમી પાર્ટીની નેગેટિવ ચર્ચા થઈ રહી છે. ચૈતર વસાવાને રજૂ કરી આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી હોય તેવું લાગે છે. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચી ગયા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ સહિતના નેતાઓ ત્યાં પહોંચ્યા છે અને આજે ગમે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે. પોલીસ તેમની ધરપકડ પણ કરી શકે છે.
એક ધારાસભ્ય રાજીનામું આપે છે અને આજે ચૈતર વસાવા હાજર!
રાજકારણમાં અનેક વખત એવું બને કે પોતાની પાર્ટી છોડી નેતાઓ બીજી પાર્ટીમાં જતા રહે છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસના નેતાના પક્ષપલટા પર આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હતા કે કોંગ્રેસને નેતાઓ સાચવતા નથી આવતું. પરંતુ ગઈકાલે જે થયું તે બાદ આમ આદમી પાર્ટી માટે પણ આવી ચર્ચાઓ થવા લાગી છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાય છે પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે. કાલે જે ઘટના બની તે પરથી કહી શકાય કે આમ આદમી પાર્ટી પણ પોતાના ધારાસભ્યોને સાચવવામાં કાચી પડી. આપના પાંચ ધારાસભ્યોને પાંચ પાંડવો આપના લોકો કહેતા હતા પરંતુ હવે ચાર જ ધારાસભ્યો બાકી રહ્યા છે. ગઈકાલે એક ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું તો આજે બીજી તરફ આપના બીજા ધારાસભ્ય જે ઘણા સમયથી ફરાર હતા તે અચાનક પોલીસ સમક્ષ હાજર થવાના છે.
ચૈતર વસાવા કરી શકે છે પોલીસ સામે સરેન્ડર!
પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ફરાર હતા. ચૈતર વસાવા આજે ગમે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. આપના નેતાઓ પણ ડેડિયાપાડા પહોંચી ગયા છે. મહત્વનું છે કે ચૈતર વસાવાને આજે નહીં તો કાલે, ગમે ત્યારે હાજર તો થવાનું જ હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ન માત્ર ડેડિયાપડાના ધારાસભ્ય તરીકે ચર્ચિત છે પરંતુ આદિવાસી સમાજના પ્રશ્નોને પણ અવાજ આપ્યો છે. એવી પણ માહિતી સામે આવી છે કે આપ ત્યાં શક્તિ પ્રદર્શન કરી શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા જ્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે.