લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ત્યારે હવે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે. આ નિર્ણય લેવાની વાત પાછળ તેમણે અંગત કારણો જણાવ્યા હતા.
રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ઉથલ પાથલ જોવા મળી રહી છે. કોઈ વખત કોંગ્રેસના ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે તો કોઈ વખત લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાઓ પીછેહઠ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ કારણ આપ્યું હતું કે તેમની પિતાની તબિત સારી ના હોવાને કારણે તેઓ ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે. આ મામલો ત્યાં શાંત ના થયો, ગઈકાલે રોહન ગુપ્તાએ કોંગ્રેસ પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે. જ્યારે રાજીનામું આપ્યું તે બાદ તેમણે અનેક પ્રતિક્રિયા આપી હતી. આત્મસન્માન જાળવવા માટે તેમણે રાજીનામું આપ્યું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.
ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર
ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ ઈલેક્શન લડવાની ના પાડી દીધી છે. પીછેહઠ કરનાર એક છે વડોદરાના ઉમેદવાર તેમજ બીજા છે સાબરકાંઠાના ઉમેદવાર. સાંસદ રંજનબેન ભટ્ટે તેમજ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી છે. રંજનબેન ભટ્ટે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે તેમણે કહ્યું કે મારે હવે ચૂંટણી લડવી નથી. ઉમેદવારી પરત ખેંચવા મને પક્ષે કહ્યું નથી. હું પક્ષનું કામ કરીશ, બીજા ઉમેદવાર ચૂંટણી લડશે. મારી પ્રજાએ મને ખૂબ પ્રેમ કર્યો છે. મેં જાતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. હું વડોદરાની બદનામી ઈચ્છતી નથી. મેં કોઈ સાથે આ અંગે વાતચીત કરી નથી. મને પાર્ટીએ ત્રીજી વખત ટિકિટ આપી હતી.
રંજનબેન ભટ્ટે પ્રતિક્રિયા આપી હતી..
મહત્વનું છે કે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જ્યારથી જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી વડોદરામાં આંતરિક વિવાદ છેડાઈ ગયો છે. જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો હતો. અને તે બાદ પોસ્ટરો સાંસદના વિરૂદ્ધ લાગ્યા હતા. આજે જ્યારે ઉમેદવારી તેમણે પાછી ખેંચી ત્યારે તેમણે પણ આત્મસન્માનની વાત કરી હતી. તેમણે કહ્યું કે મારી પણ ઈજ્જત છે ને...!