નાના હતા ત્યારે જો આપણને સ્કૂલમાંથી કોઈ એવોર્ડ કે સર્ટિફિકેટ મળતા હતા ત્યારે આપણા આનંદનો પાર ન રહેતો. એવોર્ડ ભલે ગમે તે ક્ષેત્રમાં મળ્યો હોય પરંતુ તે એવોર્ડ આપણો છે, આપણી કરેલી મહેનતનો છે તેવું માનતા અને આપણને ગર્વની અનુભૂતિ પણ થતી. આ તો સ્કૂલ લેવલની વાત પરંતુ જો તે એવોર્ડ નેશનલ લેવલનો હોય તો..! નેશનલ લેવલે એવોર્ડ મળવો તે ખૂબ જ ગર્વની વાત છે. જો કોઈ આવા એવોર્ડને પરત કરવાની જાહેરાત કરે છે તો એ કેટલી દુ:ખ વાત કહેવાય! આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક બાદ એક કુસ્તીબાજો પોતાના એવોર્ડને પરત આપવાની જાહેરાત કરી રહ્યા છે.
સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની કરી હતી જાહેરાત
થોડા મહિના પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. યોન શોષણના આરોપ સાથે તેમણે અનેક દિવસો સુધી ધરણા કર્યા. તે બાદ બેઠકોનો દોર ચાલ્યો અને અંતે તે આંદોલન સમેટાઈ ગયું. પરંતુ થોડા દિવસો પહેલા WFI ચૂંટણીના પરિણામ સામે આવ્યા. જેમાં બ્રિજભૂષણશરણસિંહના નજીક માનવામાં આવતા સંજયસિંહની જીત થઈ. આ પરિણામ બાદ કુસ્તીબાજોમાં ભરી એક વખત રોષ ભભૂકી ઉઠ્યો. એકાએક સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. તે બાદ તેમના સમર્થનમાં બજરંગ પુનિયા આવ્યા. તેમણે પદ્મ શ્રી પરત કરવાની જાહેરાત કરી અને પીએમ મોદીને આને લઈ પત્ર લખ્યો.
સરકારે WFIની ચૂંટાયેલી નવી બોડીને કરી દીધી સસ્પેન્ડ
કુસ્તીબાજોમાં વધતા રોષને જોઈ સરકાર એક્શનમાં આવી. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને કેન્દ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધું. રમતગમત મંત્રાલયે WFIની ચૂંટાયેલી આખી નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી. એટલું જ નહીં સરકારે ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખના તમામ નિર્ણયો પર રોક લગાવી દીધી. સંજયસિંહની માન્યતા રદ્દ કરી દેવામાં. સરકારના આ નિર્ણય બાદ કુસ્તીબાજોની પ્રતિક્રિયા પણ સામે આવી. એવું લાગતું હતું કે કુસ્તીબાજોમાં ચાલી રહેલી નારાજગી કદાચ આ નિર્ણય બાદ ઓછી થઈ જશે પરંતુ તેવું ન થયું. વધુ એક કુસ્તીબાજે પોતાના એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી છે.
વિનેશ ફોગાટે પણ પીએમ મોદીને પત્ર લખ્યો અને કહ્યું...
કુસ્તીબાજ બજરંગ પુનિયા બાદ હવે વિનેશ ફોગાટે પણ પોતાનો એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તે તેનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છે. બજરંગ પુનિયાની જેમ વિનેશ ફોગાટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે પીએમ મોદીને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ દ્વારા મીડિયાને આપેલા નિવેદનને સાંભળવાની અપીલ કરી છે. પત્રમાં વિનેશ ફોગાટે લખ્યું છે કે તેને મળેલા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડનો હવે તેના જીવનમાં કોઈ અર્થ નથી. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશે લખ્યું છે કે દરેક મહિલા સન્માન સાથે જીવન જીવવા માંગે છે, તેથી તે પોતાનો એવોર્ડ પરત કરવા માંગે છે જેથી સન્માન સાથે જીવવાની રીતમાં આ એવોર્ડ તેના પર બોજ ન બની જાય. .