કોરોના કાળના 2 વર્ષ બાદ ટુરિઝમ સેક્ટરમાં વેગ જોવા મળી રહ્યો છે. 2 વર્ષ સુધી ઘરમાં રહીને કંટાળેલા લોકો હવે બહાર ફરવા ઉત્સાહિત થયા છે. પરિવાર સાથે તેમજ સોલો ટ્રીપ કરવાનું લોકો પ્લાન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Local circles દ્વારા સર્વે હાથ ધરાયો હતો જેમાં 45 ટકા લોકો તહેવારોમાં બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેમાંથી 24 ટકા જેટલા લોકોએ ટિકિટ તેમજ હોટલ બુકિંગ પણ કરાવી દીધું છે.
બેઠુ થયું ટુરિઝમ ક્ષેત્ર
સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો આવતા જ તહેવારો શરૂ થઈ ગયા છે. અનેક રજાઓ હોવાથી લોકોએ બહાર ફરવાનું પ્લાનિંગ કરી લીધું છે, આવો સર્વે સોશિયલ મીડિયામા Local circles દ્વારા કરાયો હતો. કોરોના કાળને કારણે અનેક સેક્ટરને તેમજ ટ્રાવેલ સેક્ટરને પણ ભારે નુકસાન થયું છે. ત્યારે કોરોના ઘટતા ટ્રાવેલ સેક્ટર પણ ફરી બેઠું થઈ રહ્યું છે.
આ સર્વે દેશના 341 જિલ્લાઓમાં કરાયું હતું, જેમાં 42000 લોકો સામેલ થયા હતા. સર્વે પ્રમાણે 48 ટકા જેટલા લોકો, મિત્રો તથા સંબંધી સાથે યાત્રા કરવાના છે. 31 ટકા લોકો નજીકના સ્થળોની મુલાકાત લેવાના છે. જ્યારે અમુક લોકો ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે. 2021 કરતા 2022માં લોકો પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે.
લોકોમાં ફરી જાગ્યો ફરવાનો ઉત્સાહ
ભારતીય અર્થવ્યવસ્થામાં ટ્રાવેલ ક્ષેત્રનો મોટો ફાળો રહેતો હોય છે. ત્યારે કોરોના કાળ બાદ ફરી એક વખત ટુરિઝમ ક્ષેત્રને વેગ મળી રહ્યો છે. લોકોમાં ફરી ફરવાનો ઉત્સાહ ઉભો થયો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભારતીય અર્થતંત્રમાં આ સેક્ટર મહામારીના પહેલાના સ્તરેને પણ વટાવી દેશે.