લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ તો એક બીજા પર કટાક્ષ કરતા દેખાય છે પરંતુ હવે તો જનતા પણ સાંસદ પર કટાક્ષ કરતી થઈ ગઈ છે...! એક વીડિયો ભરૂચથી સામે આવ્યો છે જેમાં ત્યાંના સાંસદ મનસુખ વસાવા માટે કટાક્ષ કર્યા છે. આદિવાસી બોલીમાં આદિવાસીએ ગીત ગાયું છે જેમાં મનસુખ વસાવા દ્વારા શું કામ કરવામાં આવ્યા તેની વાત કરવામાં આવી છે... મહત્વનું છે કે ચૂંટણી સમયે મતદાતાઓ સાંસદોનું રિપોર્ટ કાર્ડ બનાવતા હોય છે અને તે પ્રમાણે મતદાન કરતા હોય છે..!
આદિવાસી વિસ્તારમાં હોળીનું હોય છે મહત્વ!
ભરૂચ લોકસભા સીટ એક એવી સીટ છે જેની ચર્ચાઓ અનેક વખત કરવામાં આવતી હોય છે.ચૈતર વસાવા તેમજ મનસુખ વસાવા વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહાર અનેક વખત ખુલ્લીને સામે આવ્યા છે. મનસુખ વસાવા કોઈ નિવેદન આપે તો તેનો જવાબ ચૈતર વસાવા આપે અને જો ચૈતર વસાવા કોઈ નિવેદન આપે તો તેનો જવાબ મનસુખ વસાવા આપે...! આ વખતે આ બંનેના નિવેદન અંગે ચર્ચા નથી કરવી પરંતુ ત્યાંથી સામે આવેલા એક વીડિયોની, એક ગીતની વાત કરવી છે જે આદિવાસીએ ગાયું છે. આદિવાસી વિસ્તારમાં હોળી તહેવારનો મહિમા વધારે હોય છે. હોળી વખતે આદિવાસી લોકો ઘેરૈયા બનતા હોય છે.
મનસુખ વસાવા માટે કટાક્ષમાં આદિવાસીએ ગાયું ગીત!
એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આદિવાસીએ આદિવાસી બોલીમાં ગીત ગાયું છે જેમાં તે સાંસદ મનસુખ વસાવા પર કટાક્ષ કરી રહ્યા છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કટાક્ષ સ્વરૂપે કહેવામાં આવ્યું છે કે, ત્રિકમ મરી ગયે 3 વર્ષ થયા રે મનસુખ.. પણ રોડ અજી સુધી બન્યો નથી.. જો ગીતનો અર્થ સમજીએ તો વિકાસની વરવી વાસ્તવિક્તાને ગીત સ્વરૂપ અહી પ્રગટ કરવામાં આવી છે. જે વીડિયો વાયરલ થયો છે તે નેત્રંગના કોલીવાડા ગામની આસપાસનો હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે મનસુખ વસાવા છેલ્લા 6 ટર્મથી સાંસદ છે અને ફરી એક વખત ભાજપ દ્વારા તેમને ટિકીટ આપવામાં આવી છે.
શું છે ભરૂચ લોકસભાના સમીકરણો?
ભરૂચ લોકસભાની વાત કરીએ તો, ભરૂચ લોકસભામાં કુલ 7 વિધાનસભાઓ આવે છે. તે છે કરજણ, ડેડીયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અને અંકલેશ્વર. ભરૂચ લોકસભામાં ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચ લોકસભા પરથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા છે જ્યારે સામે bjpના ઉમેદવાર તરીકે મનસુખ વસાવા છે. અને છોટુ વસાવાએ પોતાનો અલગ પક્ષ બનાવ્યો છે. અને આ કારણોસર અહી ત્રિપાંખ્યું જંગ થઈ શકે છે. ત્યારે જોવું રહ્યું આ બેઠક પર કોની જીત થાય છે?