મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. એક બાદ એક દરેક વસ્તુની કિંમતમાં વધારો આવી રહ્યો છે. ત્યારે અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. અદાણી ગેસે સીએનજી ભાવમાં પ્રતિ કિલોએ રૂ.1નો વધારો કર્યો છે. ગેસના ભાવ વધવાથી વાહનચાલકોને હવે એક કિલો સીએનજી ગેસ માટે 80.34 રૂપિયા ચૂકવવા પડશે.
અનેક ચીજ-વસ્તુઓ પર પડશે ભાવવધારાની અસર
દેશમાં સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડી રહ્યો છે. દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. વધતી મોંઘવારીને કારણે જનતાની કમરતૂટી રહી છે. પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર બીજી બધી વસ્તુઓ પર પડતી હોય છે. એલપીજી સિલિન્ડર, શાકભાજી, દૂધ સહિતની વસ્તુઓ મોઘી થતી હોય છે.
પ્રતિ કિલોએ કર્યો એક રૂપિયાનો ભાવ વધારો
લોકો મોઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે. નવા વર્ષમાં મોંઘવારી ઓછી થાય તેવી આશા લોકો રાખી રહ્યા હતા. પરંતુ નવા વર્ષમાં અદાણીએ ઝટકો આપ્યો છે. પેટ્રોલ, તેમજ ડિઝલના ભાવ તો વધી રહ્યા છે ત્યારે ગેસના ભાવમાં પણ વધારો આવ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં પ્રતિકિલોએ 1 રુપિયાનો વધારો ઝિંક્યો છે. ભાવ વધારો થવાને કારણે હવે 79.34ની બદલીમાં 80.34 ચૂકવવા પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ-ડિઝલમાં પણ ભાવ વધારો થઈ શકે છે કારણ કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.